Site icon Revoi.in

કોરોનાની ત્રીજી લહેરની બાળકો પર ખૂબ ઓછી અસર થશે: રિપોર્ટ

Social Share

નવી દિલ્હી: કોરોના મહામારીની બીજી લહેર હવે લગભગ પીક પર છે ત્યારે હવે થોડા જ મહિનામાં કોરોનાની ત્રીજી લહેર દેશમાં દસ્તક દે તેવી સંભાવના છે. જે બાળકો માટે જોખમી હોવાનું ગણાવાઇ રહ્યું હતું. લોકોમાં અત્યારે ત્રીજી લહેરને લઇને પણ ભય પ્રવર્તી રહ્યો છે કારણ કે બીજી લહેર ખૂબ જ ઘાતક નિવડી છે અને મોતનો સિલસિલો હજુ પણ યથાવત્ છે. જો કે કોરોનાની ત્રીજી લહેરની આશંકા વચ્ચે એક રાહતના સમાચાર મળી રહ્યા છે. એવું કહેવાઇ રહ્યું છે કે, સંભવિત ત્રીજી લહેર બાળકો પર ગંભીર અસર કરે તેવા કોઇ નક્કર પુરાવા પ્રાપ્ત થયા નથી.

લેન્સેટ કોવિડ-19 કમિશન ઇન્ડિયા ટાસ્ક ફોર્સે ભારતીય બાળોકમાં કોવિડ-19 બીમારી અંગે અભ્યાસ કર્યો છે. અભ્યાસ અનુસાર ભારતમાં કોરોના વાયરસથી સંક્રમિત બાળકોમાં તે જ પ્રકારના લક્ષણો જોવા મળ્યા છે જેવા અન્ય દેશમાં જોવા મળ્યા છે. મોટાભાગના બાળકોમાં લક્ષણો નહોતા, જ્યારે અનેક બાળકોમાં સંક્રમણના હળવા લક્ષણો જોવા મળ્યા હતા. કોરોના વાયરસથી સંક્રમિત થયા બાદ મોટા ભાગના બાળકોમાં તાવ અને શ્વાસ સંબંધિત પરેશાનીઓ પણ જોવા મળી.

જો કે દેશમાં કોવિડ-19ની પહેલી અને બીજી લહેરમાં કેટલા બાળકો સંક્રમિત થયા, કેટલા હોસ્પિટલમાં દાખલ થયા તે મામલે રાષ્ટ્રીય સ્તરે આંકડા તૈયાર કરાયા નથી. આથી સ્ટડી માટે તામિલનાડુ, કેરળ, મહારાષ્ટ્ર અને દિલ્હી-એનસીઆર ક્ષેત્રની 10 હોસ્પિટલોમાં આ સમયગાળા દરમિયાન દાખલ થયેલા 10 વર્ષથી ઓછી ઉંમરના લગભગ 2500 બાળકોના ક્લિનિકલ ડેટાનું વિશ્લેષણ કરીને આ રિપોર્ટ તૈયાર કરાયો છે. જે મુજબ 10 વર્ષથી ઓછી ઉંમરના બાળકોમાં કોવિડ-19ના કારણે થનારો મૃત્યુદર 2.4 ટકા રહ્યો. આ બાળકોમાં 40 ટકા બાળકો કોઈને કોઈ ગંભીર બીમારીથી પીડિત હતા.

કોરોના મહામારીની બંને લહેરોમાં 10 વર્ષથી ઓછી ઉંમરના 9 ટકા બાળકોમાં બીમારીના ગંભીર લક્ષણો જોવા મળ્યા. મહામારીની ત્રીજી સંભવિત લહેરમાં સંક્રમિત થનારા 5 ટકાથી પણ ઓછા બાળકોને હોસ્પિટલમાં દાખલ થવાની જરૂર પડશે, જ્યારે મૃત્યુદર 2 ટકા સુધી રહી શકે છે.