Site icon Revoi.in

જમ્મૂમાં ફરી ડ્રોન જોવા મળ્યું, એરફોર્સ પરના ડ્રોન હુમલાની તપાસ NIAને સોંપાઇ

Social Share

નવી દિલ્હી: જમ્મૂમાં હાલમાં જ એરફોર્સ સ્ટેશન પર ડ્રોન હુમલા બાદ હવે એલર્ટ જાહેર કરાયું છે તેમજ સેના પણ સતર્ક છે. આ બધા વચ્ચે જમ્મૂના સુંજવાન મિલિટ્રી સ્ટેશન પાસે ફરીથી એક વાર ડ્રોન જોવા મળ્યું છે. જો કે સેનાએ આ વાતનો ઇનકાર કર્યો છે. બીજી તરફ ગૃહ મંત્રાલયે જમ્મૂ એરફોર્સ સ્ટેશન પર થયેલા ડ્રોન હુમલાની તપાસ નેશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સીને સોંપી દીધી છે.

પ્રાપ્ત વિગતો અનુસાર, સોમવારે મોડી રાત્રે લગભગ અઢી વાગે આ ડ્રોન જોવા મળ્યું હતું. જે થોડા સમય બાદ ગાયબ થઇ ગયું હતું. સેનાને મોડી રાતે આ ડ્રોન અંગેની જાણકારી મળી હતી. સેના તરફથી ડ્રોન પર ફાયરિંગ કરાયું નથી. હવે આ મામલે તપાસ ચાલી રહી છે.

ડ્રોન ઊંચાઈ પર હતું આથી ત્રણ જગ્યાએથી જોવા મળી રહ્યું હતું. પરંતુ એજન્સીઓ એ વાતની પણ તપાસ કરી રહી છે કે આ એક ડ્રોન હતું કે પછી ત્રણ અલગ ડ્રોન હતા. જો કે થોડા સમયમાં જ તે ગાયબ થઈ ગયું હતું.

જમ્મુના એરફોર્સ સ્ટેશન પર ધડાકા બાદ રવિવારે રાતે કાલૂચક મિલિટરી સ્ટેશનની નજીક બે ડ્રોન જોવા મળ્યા. ઘટના રવિવાર રાત 10 વાગ્યાની અને સોમવારે વહેલી સવારે 3 વાગ્યાની છે. સેના પહેલેથી જ અલર્ટ મોડ પર છે અને આવામાં ડ્રોન જોવા મળતા તરત જ તેમના પર ફાયરિંગ કરવામાં આવ્યું જેના કારણે બંને ડ્રોન ત્યાંથી ગાયબ થઈ ગયા.

અત્રે જણાવવાનું કે જમ્મુના જ એરફોર્સ સ્ટેશનને શનિવારે રાતે ડ્રોનની મદદથી નિશાન બનાવવામાં આવ્યું હતું. જો કે આ બે ધડાકાથી વધુ નુકસાન થયું નથી.