- પીએમ મોદીએ યોજી સમીક્ષા બેઠક
- દેશમાં કોરોનાની સ્થિતિને લઇને કરી ચર્ચા
- રાજ્ય સરકારો લઇ રહી છે અનેક પગલાં
નવી દિલ્હી: દેશમાં કોરોના સંક્રમણના વધતા વ્યાપ વચ્ચે આજે પીએમ મોદીએ વીડિયો કોન્ફરન્સના માધ્યમથી કોવિડ-19ની સ્થિતિની લઇને સમીક્ષા બેઠક કરી હતી. તમામ રાજ્યોમાંથી રેકોર્ડ બ્રેક કોરોનાના કેસ આવી રહ્યાં છે. આ સ્થિતિમાં કોવિડના સંક્રમણની ચેન તોડવા માટે દરેક રાજ્ય સરકારો દ્વારા શક્ય એટલા તમામ નિયંત્રણોના પગલાં લેવામાં આવી રહ્યા છે.
વીડિયો કોન્ફરન્સ મારફતે યોજાયેલી આ બેઠકમાં કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી મનસુખ માંડવિયા, ગૃહ મંત્રી અમિત શાહ, કેન્દ્રીય ગૃહ સચિવ, કેબિનેટ સચિવ તેમજ કોવિડ ટાસ્ક ફોર્સના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. બેઠકમાં કોવિડના નવા વેરિએન્ટને કારણે ઉભી થયેલી સ્થિતિ અંગે તાગ મેળવવામાં આવ્યો હતો.
આરોગ્ય મંત્રાલય પ્રમાણે, આજે દેશભરમાંથી 1.59 લાખ નવા મામલા સામે આવ્યા છે. જ્યારે સક્રિય કેસોની સંખ્યા 5.90 લાખને પાર કરી ચૂકી છે.
કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય પ્રમાણે ભારતના 27 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાંથી અત્યાર સુધીમાં કોરોના વાયરસ ઓમિક્રોનના (Omicron) નવા પ્રકારના 3,623 કેસ નોંધાયા છે. મંત્રાલયના જણાવ્યા અનુસાર, આ પ્રકારથી સંક્રમિત 1,409 દર્દીઓ અત્યાર સુધીમાં સાજા થયા છે. મહારાષ્ટ્ર અને દિલ્હીમાં ઓમિક્રોનના સૌથી વધુ કેસ છે. મહારાષ્ટ્રમાં ઓમિક્રોન વેરિઅન્ટના 1009 કેસ છે, જ્યારે દિલ્હીમાં 513 કેસ છે.