Site icon Revoi.in

ઓલિમ્પિકમાં મેડલ જીત્યા બાદ પીવી સિંધુ ભારત પરત ફરી, ઢોલ નગાડા વગાડી કરાયું સ્વાગત

Social Share

નવી દિલ્હી: ટોક્યો ઓલિમ્પિકમાં મેડલ જીત્યા બાદ પીવી સિંધુ અને તેના કોચ પાર્ક તાઇ-સાંગ ટોક્યોથી ભારત પરત ફર્યા હતા. ટોક્યોથી પરત ફરતા દિલ્હી એરપોર્ટ પર તેમનું સ્વાગત કરવામાં આવ્યું હતું. બંનેના સ્વાગત માટે મોટી સંખ્યામાં લોકોની ભીડ ઉમટી હતી.

ભારતની સ્ટાર શટલર પીવી સિંધુ ટોક્યો ઓલિમ્પિકથી પરત ફરી છે. તે 3 ઓગસ્ટના રોજ ટોક્યોથી દિલ્હી પરત ફરી હતી. પીવી સિંધુએ ટોક્યો ઓલિમ્પિકમાં મહિલા બેડમિન્ટનની મહિલા સિંગલ્સ કેટેગરીમાં બ્રોન્ઝ મેડલ જીત્યો હતો. તેણે સતત બીજી વખત ઓલિમ્પિકમાં મેડલ જીત્યો છે.

પીવી સિંધુના આગમનની માહિતી મળ્યા બાદ મોટા પ્રમાણમાં મીડિયા કર્મીઓ એરપોર્ટ પર હાજર રહ્યા હતા. આવી સ્થિતિમાં પીવી સિંધુને CISFની સુરક્ષા હેઠળ એરપોર્ટની બહાર લાવવામાં આવી હતી. એવું માનવામાં આવી રહ્યું છે કે પીવી સિંધુ અને તેના કોચ એક કે બે દિવસમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કરશે.

નોંધનીય છે કે, PM નરેન્દ્ર મોદીએ ઓલમ્પિક રમતોની શરૂઆત પહેલા પીવી સિંધુ અને તેના માતાપિતા સાથે વર્ચ્યુઅલ રીતે વાત કરી હતી. પછી તેણે કહ્યું કે, જ્યારે તે ટોક્યોથી પાછી આવશે. ત્યારે તે તેની સાથે આઈસ્ક્રીમ ખાશે. દરમિયાન પીએમ મોદી સિંધુને 15 ઓગસ્ટના રોજ લાલ કિલ્લા પરના કાર્યક્રમમાં ખાસ મહેમાન બનવા માટે પણ આમંત્રિત કરી શકે છે.