Site icon Revoi.in

ચારા ગોટાળામાં લાલુ યાદવને મળ્યા જામીન, જેલમાંથી આવી શકે છે બહાર

Social Share

નવી દિલ્હી: ઘાસચારા કૌંભાડમાં 1 વર્ષથી વધારે સમયથી જેલમાં રહેલા આરજેડી સુપ્રીમો લાલુ પ્રસાદ યાદવને ઝારખંડ હાઇકોર્ટે જામીન આપી દીધી છે. હવે આ જામીન સાથે લાલુ યાદવનો જેલમાંથી બહાર આવવાનો માર્ગ મોકળો બન્યો છે. દુમકા કોષાગારમાં ગરબડ મામલે આ પહેલા અનેક વખત લાલુની જામીન પર સુનાવણી થઇ ગઇ છે. ચારા ગોટાળાના આ કેસમાં દુમકા કોષાગારમાંથી 3.13 કરોડ રૂપિયાની ગેરકાયદે ઉચાપત મામલામાં હાઇકોર્ટે લાલુ પ્રસાદ યાદવને જામીન આપી દીધા છે.

ઝારખંડ હાઇકોર્ટમાં જસ્ટિસ અપરેશ સિંહની કોર્ટે દુમકા કોષાગાર મામલાની સુનાવણી બાદ આરજેડી પ્રમુખને જામીન આપવાનો નિર્ણય સંભળાવ્યો હતો. કોર્ટમાં કેસ નંબર RC 38ની સુનાવણી આજે થઈ હતી. દુમકા કોષાગારમાંથી ત્રણ કરોડથી વધારેની રકમ ગેરકાયદે રીતે કાઢવાના કેસ પહેલા ચાઈબાસા અને દેવઘર કેસમાં લાલુ પ્રસાદને પહેલા જ જામીન મળી ચૂક્યા છે.

ઉલ્લેખનીય છે કે દુમકા કોષાઘાર ગોટાળા મામલે આ પહેલા પણ કોર્ટમાં સુનાવણી ચાલી હતી, પરંતુ કોર્ટે રાહત આપાનો ઇન્કાર કરી દીધો હતો.

ગત દિવસોમાં પિતા લાલુ યાદવની જેલ મુક્તિ માટે દીકરી રોહિણી આચાર્યએ રોજા રાખ્યા હતા. રોહિણી આચાર્યએ સોશિયલ મીડિયાના મધ્યામથી કહ્યુ હતુ કે, રમઝાન મહિનામાં તેણી પોતાના પિતાની જેલ મુક્તિ માટે રોજા રાખશે. જે બાદમાં લાલુ પ્રસાદના મોટા પુત્ર તેજપ્રતાપ યાદવે પિતાની ઝડપથી મુક્તિ થાય તે માટે નવરાત્રિના પ્રસંગે દેવી પૂજા શરૂ કરી હતી.

કોર્ટે લાલુ યાદવને જામીન આપવા માટે કેટલીક શરતો મૂકી છે. જે પ્રમાણે લાલુ યાદવે જેલ બહાર આવવા માટે એક રૂપિયાનો બોન્ડ ભરવો પડશે. તેઓ ઝારખંડ હાઇકોર્ટના આદેશ વગર ભારત બહાર નહીં જઈ શકે. તેઓ કોર્ટમાં જાણ કર્યાં વગર પોતાનું સરનામું અને ઠેકાણું પણ નહીં બદલી શકે.

(સંકેત)

Exit mobile version