Site icon Revoi.in

સીરમ ઇન્સ્ટિટ્યૂટનો નિર્ણય, હવે ઘટાડશે કોવિશિલ્ડનું ઉત્પાદન, આ છે કારણ

Social Share

નવી દિલ્હી: દેશમાં ઓમિક્રોનના કેસ વધી રહ્યા છે અને તેનો ફફડાટ પણ વધી રહ્યો છે ત્યારે બીજી તરફ સીરમ ઇન્સ્ટિટ્યૂટે તેની કોવિડ વેક્સિન કોવિશીલ્ડના ઉત્પાદનને 50 ટકા ઘટાડવાનો નિર્ણય લીધો છે. કંપનીના CEO અદાર પૂનાવાલાએ આ જાણકારી આપી હતી. છેલ્લા કેટલાક સમયથી કેન્દ્ર સરકાર દ્વારા કોવિડ વેક્સિન કોવિશિલ્ડ માટે વેક્સિનનો ઓર્ડર નથી મળી રહ્યો. તેથી કંપનીએ આ નિર્ણય લેવો પડ્યો છે.

આગામી સપ્તાહથી જ કંપની કોવિશિલ્ડના ઉત્પાદનમાં ઓછામાં ઓછા 50 ટકા ઘટાડો કરવા જઇ રહી છે તેવું CEO અદાર પૂનાવાલાએ કહ્યુ હતું. કારણ કે સરકાર તરફથી કંપનીને ઓર્ડર નથી મળી રહ્યો. જો કે તેમણે કોવિશિલ્ડની માંગ વધે તો જરૂરિયાત માટે પ્રોડક્શન વધારવાની પણ વાત કરી હતી.

પૂનાવાલાએ ઉમેર્યું હતું કે, કંપની એવી સ્થિતિમાં રહેવા નથી ઇચ્છતી કે આગામી 6 મહિનામાં રસી પૂરી ના પાડી શકે. પૂનાવાલાએ જણાવ્યું કે, કંપની સ્પૂતનિક લાઇટ વેક્સીનના 2-3 કરોડ ડોઝ સ્ટોર કરશે અને વધુ જોખમ ઉઠાવશે નહીં.

બીજી તરફ ઓમિક્રોન વેરિએન્ટ પર રસીની અસરકારકતા વિશે વાત કરતા અદાર પૂનાવાલએ કહ્યું કે, કોવિડના નવા વેરિએન્ટ ઓમિક્રોન પર વર્તમાન વેક્સીન અસરકારક નહીં સાબિત થાય તે વાત માનવામાં નથી આવતી. બંને ડોઝ લીધા પછી સંક્રમણ સામે લડવાની ક્ષમતા અને સુરક્ષા વધે છે.

દેશના પાંચ રાજ્યો સહિત દુનિયાના અનેક દેશોમાં ફેલાઇ ચૂકેલો ઘાતક ઓમિક્રોન વેરિયન્ટને લઇને અદાર પૂનાવાલાએ જણાવ્યું કે, આ માનવા માટે કોઇ કારણ નથી કે વર્તમાન વેક્સીન કામ નહીં કરે. બંને ડોઝ લીધા પછી સંક્રમણ સામે સુરક્ષા વધે છે.