Site icon Revoi.in

સંઘ પ્રમુખ ડૉ. મોહન ભાગવતનું નિવેદન – વર્ષ 1947 નહીં, 2021નું ભારત છે, ભાગલા નહીં પડે

Social Share

નવી દિલ્હી: આજે લેખક કૃષ્ણાનંદ સાગર દ્વારા લિખિત પુસ્તક ‘વિભાજનકાલીન ભારતના સાક્ષી’નો પુસ્તક વિમોચન કાર્યક્રમ નોઇડામાં યોજાયો હતો ત્યારે સંઘ પ્રમુખ ડૉ. મોહન ભાગવત વિશેષ અતિથિ તરીકે ઉપસ્થિત રહ્યા હતા અને ભારતમાં ફરીથી ભાગલાની વાતો કરનારાઓ પર આકરા પ્રહાર કર્યા હતા.

મોહન ભાગવતે પોતાના સંબોધન દરમિયાન ભાગલા અંગે વાત કરતા કહ્યું હતું કે, ભાગલા સમયે દેશે બહુ ઠોકર ખાધી હતી તેને ભૂલી ના શકાય. એટલા માટે ફરી દેશમાં વિભાજન નહીં થાય. આ વર્ષ 1947 નથી. 2021નું ભારત છે. એક વાર દેશના ભાગલા પડી ચૂક્યા છે હવે ફરી દેશના ભાગલા નહીં પડે. ભારતને ખંડિત કરવાની વાત કરનારા પોતે ખંડિત થઇ જશે.

તે ઉપરાંત ડૉ. મોહન ભાગવતે અખંડ ભારતની વાત કરતા કહ્યું કે, માતૃભૂમિનું વિભાજન ક્યારેય ન ભૂલાનારું વિભાજન છે. આ ભાગલાથી કોઇપણ ખુશ નથી. આ એક એવી વેદના છે જે ત્યારે ખતમ થશે જ્યારે ભાગલા ખતમ થશે અને આ ભાગલા નિષ્ફળ જશે. તેમનું કહેવું છે કે, જે ખંડિત થયું તેને ફરી અખંડ બનાવવું પડશે.

ભાગલાનું દુ:ખ વ્યક્ત કરતા તેઓએ કહ્યું હતું કે, ભારતના ભાગલાનું યોજનાબદ્વ કાવતરું ઘડવામાં આવ્યું હતું. જે આજે પણ જારી છે. શાંતિ માટે ભાગલા થયાં પરંતુ અંતે દેશમાં હિંસા થતી રહી. હિન્દુસ્તાની ઓળખ હિંદુ છે તો તેને સ્વીકારવામાં ખોટું શું છે. જો કોઇ પોતાના પૂર્વજોના ઘરે પાછા ફરવા માંગે છે તો અમે તેમનું સ્વાગત કરીશું. પરંતુ કોઇ ના આવવા માંગે તો પણ વાંધો નથી. ભારત સમગ્ર સમાજની માતા છે અને તમામ માટે માતૃભૂમિનું સન્માન કરવું આવશ્યક છે.

સંઘ પ્રમુખે વધુમાં ઉમેર્યું હતું કે, આપણે ઇતિહાસને વાંચીને તેના સત્યનો સ્વીકાર કરવો જોઇએ. જો રાષ્ટ્રને સશક્ત બનાવવું છે તો યોગદાન તો આપવું જ પડશે. તે માટે હિંદુ સમાજને સમર્થવાન બનાવવું પડશે. ભારતની વિચારધારા સૌને સાથે લઇને ચાલવાની છે.