Site icon Revoi.in

પીએમ મોદીની સુરક્ષામાં ચૂકનો મામલો: પંજાબ હાઇકોર્ટને રેકોર્ડ સુરક્ષિત રાખવા સુપ્રીમનો આદેશ, હવે સોમવારે થશે સુનાવણી

Social Share

નવી દિલ્હી: પીએમ મોદીની સુરક્ષામાં ચૂકના મામલે આજે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી હાથ ધરવામાં આવી હતી. મુખ્ય ન્યાયાધીશ એનવી રમન્નાની અધ્યક્ષાવાળી બેંચ દ્વારા સુનાવણી હાથ ધરવામાં આવી હતી. વરિષ્ઠ વકીલ મનિંદર સિંહે ચીફ જસ્ટિસ અને એનવી રમન્નાની બેંચ સમક્ષ પીએમની સુરક્ષામાં ક્ષતિનો મુદ્દો ઉઠાવ્યો હતો. સુનાવણી દરમિયાન સુપ્રીમ કોર્ટે પંજાબ હાઇકોર્ટને તમામ રેકોર્ડ સુરક્ષિત રાખવા આદેશ આપ્યો છે અને આગામી સુનાવણી હવે સોમવારે હાથ ધરાશે.

સુરક્ષામાં ચૂકને લઇને વાત કરતા સિંહે દલીલ કરી હતી કે, આ એક વૈધાનિક જવાબદારી છે. આમાં કોઇ સંકોચ ના હોઇ શકે. આ રાષ્ટ્રીય સુરક્ષાનો મુદ્દો છે, માત્ર કાયદો અને વ્યવસ્થાનો જ નહીં અને રાજ્ય સરકારે કાયદાકીય સ્તરે તેનું પાલન કરવું પડશે. આ ખૂબ જ ગંભીર મુદ્દો છે અને વડાપ્રધાનની સુરક્ષામાં મોટી ક્ષતિ રહી છે, આ મામલે સ્પષ્ટ તપાસ આવશ્યક છે અને દોષિત અધિકારીઓ સામે કાર્યવાહી આવશ્યક છે.

સિંહે આ મામલે વધુમાં સ્પષ્ટતા કરી હતી કે, પોલીસ આ મામલે કોઇ તપાસ કરી શકે નહીં. તેમણે કહ્યું કે, ભટિંડાથી ફિરોઝપુર સુધીના પુરાવા ભટિંડાની સ્થાનિક કોર્ટ દ્વારા લેવામાં આવે અને આ મામલે NIA દ્વારા તપાસ કરવામાં આવે. અરજદારે સુપ્રીમ કોર્ટને પીએમની સુરક્ષામાં ચૂકના મામલે NIAને તપાસ સોપવાની માંગણી કરી હતી.

ઘટના એવી છે કે પીએમ મોદી વિવિધ પ્રોજેક્ટના શિલાન્યાસ અર્થે પંજાબના ફિરોઝપુર પહોંચવાના હતા. ખરાબ હવામાનને કારણે હેલિકોપ્ટરથી જવું શક્ય ના હોવાથી તેઓ રોડ માર્ગે રાષ્ટ્રીય શહીદ સ્મારક જઇ રહ્યા હતા ત્યારે ઘટનાસ્થળેથી થોડે દૂર ખેડૂતોએ વિરોધ કર્યો હતો અને ચક્કાજામ કરી દીધો હતો. તેને કારણે પીએમનો કાફલો ત્યાં 20 મિનિટ અટવાયેલો રહ્યો હતો અને અંતે રેલી રદ્દ કરીને પીએમ મોદીને પરત ફરવાની નોબત આવી હતી.