Site icon Revoi.in

સુપ્રીમ કોર્ટમાં લખીમપુર કેસની આગામી સુનાવણી 20 ઑક્ટોબરના રોજ થશે

Social Share

નવી દિલ્હી: લખીમપુર હિંસાના પ્રત્યાઘાતો સમગ્ર દેશમાં પડ્યા છે ત્યારે આગામી બુધવારે સુપ્રીમ કોર્ટમાં લખીમપુર હિંસાના કેસમાં સુનાવણી થશે. આપને જણાવી દઇએ કે લખીમપુરમાં થયેલી હિંસા દરમિયાન ચાર ખેડૂતો સહિત 8 લોકોનાં મોત નિપજ્યા હતા.

આ મામલાની સુનાવણી મુખ્ય ન્યાયાધીશ એનવી રમણ, જસ્ટિસ સૂર્યકાં અને જસ્ટિસ હિમા કોહલીની ખંડપીઠ કરશે. આ જ ખંડપીઠે 8 ઑક્ટોબરે આ જ કેસમાં ઉત્તરપ્રદેશ સરકારની કાર્યવાહી પર અસંતોષ વ્યક્ત કર્યો હતો. આ કેસમાં અત્યારસુધી કેન્દ્રીય મંત્રી અજય મિશ્રાના પુત્ર ઉપરાંત 10 લોકોની ધરપકડ કરવામાં આવી છે.

બે વકીલોએ CJIને પત્ર લખીને આ ઘટનાની ઉચ્ચ સ્તરીય ન્યાયિક તપાસની માંગણી કરી હતી. જેમાં CBIને સામેલ કરવા માટે પણ અપીલ કરાઇ હતી. ત્યારબાદ સુપ્રીમ કોર્ટે આ મામલે સુનાવણી શરૂ કરી.

અગાઉ આ કેસમાં થયેલી સુનાવણી દરમિયાન કોર્ટે આ કેસમાં આરોપીની ધરપકડ ના કરવા માટે ઉત્તરપ્રદેશ સરકારના પગલા પર સવાલ ઉઠાવ્યા હતા. ખંડપીઠે કહ્યું હતું કે, કાયદો તમામ આરોપીઓ માટે સમાન લાગુ થવો જોઇએ અને સરકારે આઠ લોકોની ક્રૂર હત્યાની તપાસમાં વિશ્વાસ પેદા કરવા માટે આ અંગે તમામ પગલાં લેવા પડશે.

નોંધનીય છે કે, ગત વર્ષના નવેમ્બર મહિનાથી દેશભરના અનેક ખેડૂત સંગઠનો સરકારના નવા કૃષિ કાયદાઓને રદ કરવાની માંગણી સાથે હલ્લાબોલ કરી રહ્યાં છે. પંજાબથી શરૂ થયેલું આંદોલન ધીમે ધીમે દિલ્હી, હરિયાણા અને ઉત્તરપ્રદેશમાં પણ ફેલાયું છે. જેના કારણે ખેડૂતો ભાજપ સરકારનો વિરોધી કરી રહ્યાં છે.