Site icon Revoi.in

દેશમાં કોરોના બેકાબૂ બન્યો, શું ફરીથી લાગશે લૉકડાઉન? જાણો રાજ્ય સરકારોની શું છે યોજના?

Social Share

નવી દિલ્હી: દેશમાં કોરોનાનો કહેર ફરીથી વર્તાઇ રહ્યો છે. અનેક રાજ્યોમાં કોરોનાના અનેક મામલા સામે આવી રહ્યા છે. આજે દેશભરમાં દોઢ લાખથી વધુ નવા કેસ સામે આવ્યા છે. જ્યારે એક્ટિવ કેસનો આંક પણ 5.90 લાખને પાર કરી ગયો છે.

અત્યારે જે સ્થિતિ જોવા મળી રહી છે તેનાથી એ સવાલ દરેકને મૂંઝવી રહ્યો છે કે શું ફરીથી કોરોના સંક્રમણ બેકાબૂ બનશે. શું ફરીથી દેશમાં લોકડાઉન લાગુ કરવામાં આવશે. શું ફરીથી ધંધા રોજગાર ઠપ્પ થઇ જશે.

આ બધી મૂંઝવણો વચ્ચે WHOના પ્રમુખ વૈજ્ઞાનિક સૌમ્યા સ્વામીનાથને કહ્યું કે, લૉકડાઉન સમાધાન નથી. કોરોના સંક્રમણ અને તેના અલગ અલગ વેરિએન્ટને કારણે વિશ્વમાં સમસ્યા આવી છે. વૈજ્ઞાનિકોને ખ્યાલ છે કે આ બીમારીનો સમનો કઇ રીતે કરવાનો છે. લોકોમાં પણ જાગૃતિ જોવા મળી રહી છે. તેને કારણે લોકડાઉન ના લગાવવું જોઇએ.

ભારતમાં દિલ્હી કોરોનાથી સૌથી પ્રભાવિત રાજ્ય છે ત્યારે ત્યાં લોકડાઉનની આશંકા વચ્ચે મુખ્યપ્રધાન અરવિંદ કેજરીવાલે સ્પષ્ટતા કરી હતી કે, હાલ દિલ્હીમાં લૉકડાઉન લાગૂ કરવામાં આવશે નહીં. તેમણે કહ્યું કે, રાજધાનીમાં કોવિડની સ્થિતિ વણસેલી છે. પરંતુ લોકડાઉનની કોઇ યોજના નથી. જો લોકો નિયમોનું પાલન કરશે તો અમારે લોકડાઉન લાગુ કરવાની નોબત નહીં આવે. જરૂર વગર લોકો ઘરની બહાર ના નીકળે અને માસ્ક, સોશિયલ ડિસ્ટન્સિંગના નિયમોનું પાલન કરે તે હિતાવહ છે.

છત્તીસગઢની વાત કરીએ તો ત્યાં પણ કેસ વધી રહ્યાં છે. નક્સલ પ્રભાવિત સુકમા જીલ્લામાં કોરોનાના કેસમાં ઉછાળો આવ્યો છે. આ વચ્ચે લોકડાઉનને લઇને મુખ્યમંત્રી ભૂપેષ બધેલે કહ્યું કે, પ્રદેશમાં હાલમાં લોકડાઉનની આવશ્યકતા નથી. સંક્રમણને કાબૂમાં લેવા માટે જરૂરી પગલાં લેવામાં આવી રહ્યાં છે.

મહારાષ્ટ્રમાં પણ કોરોનાના કેસમાં ઉછાળો આવ્યો છે ત્યારે ત્યાં પણ કડક નિયંત્રણો લાગૂ કરવામાં આવ્યા છે. મહારાષ્ટ્રમાં કલમ 144 લાગૂ કરવામાં આવી છે. શોપિંગ મોલ, માર્કેટ, કોમ્પ્લેક્સ 50 ટકા ક્ષમતા પર કામ કરશે અને રાત્રે 10 થી સવારે 8 વાગ્યા સુધી બંધ રહેશે. ઉદ્વવ ઠાકરેએ પણ લોકડાઉનની કોઇ વિચારણા ના હોવાનું કહ્યું હતું અને લોકોને કોવિડના પ્રોટોકોલનું પાલન કરવા કહ્યું હતું.

બીજી તરફ તામિલનાડુમાં બેકાબૂ થતા કોરોના સંક્રમણની ચેન તોડવા માટે રવિવારે પૂર્ણ રૂપથી લોકડાઉન લાગૂ કરવામાં આવ્યું છે. રવિવારે વીકેન્ડ લોકડાઉન આ વર્ષનું પ્રથમ લોકડાઉન હશે.