નવી દિલ્હી, 15 મે 2026: મેડિકલ એન્ટ્રન્સ એક્ઝામ નીટ-યુજીની તૈયારી કરી રહેલા લાખો વિદ્યાર્થીઓ માટે મહત્વના સમાચાર સામે આવ્યા છે. નેશનલ ટેસ્ટિંગ એજન્સી (એનટીએ) એ નીટ-યુજી 2026 માટે પરીક્ષાની નવી તારીખની જાહેરાત કરી દીધી છે. હવે આ પરીક્ષા 21 જૂન 2026, રવિવારના રોજ ફરીથી આયોજિત કરવામાં આવશે. ઉલ્લેખનીય છે કે, અગાઉ 3 મેના રોજ લેવાયેલી પરીક્ષા પેપર લીકના ગંભીર આરોપો બાદ રદ કરવામાં આવી હતી.
ગુરુવારે મોડી સાંજે કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનના નિવાસ્થાને એક મહત્વપૂર્ણ ઉચ્ચસ્તરીય બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં પરીક્ષાના સંચાલન અને સુરક્ષાને લઈને ઊંડાણપૂર્વક ચર્ચા કરવામાં આવી હતી. બેઠકમાં ઉચ્ચ શિક્ષણ સચિવ વિનીત જોશી, શાળા શિક્ષણ સચિવ સંજય કુમાર, એનટીએ ના મહાનિદેશક અભિષેક સિંહ અને સીબીએસઈના અધ્યક્ષ સહિતના ઉચ્ચ અધિકારીઓ હાજર રહ્યા હતા. કેન્દ્ર સરકારની મંજૂરી બાદ એનટીએ એ 21 જૂનની તારીખ પર મહોર મારી છે. એજન્સીએ વિદ્યાર્થીઓ અને વાલીઓને અપીલ કરી છે કે તેઓ કોઈપણ અફવા પર વિશ્વાસ ન કરે અને માત્ર સત્તાવાર માધ્યમો પર જ ભરોસો રાખે. કોઈપણ પ્રકારની પૂછપરછ માટે એજન્સીએ ઈ-મેલ આઈડી અને હેલ્પલાઈન નંબર 011-40759000 અથવા 011-69227700 જાહેર કર્યા છે.
બીજી તરફ, સીબીઆઈની ટીમ આ સમગ્ર પેપર લીક કાંડના મૂળ સુધી પહોંચવા માટે આક્રમક તપાસ કરી રહી છે. ગુરુવારે સીબીઆઈની ટીમ જયપુરના જમવારામગઢ ખાતે ધરપકડ કરાયેલા આરોપીઓના ઘરે પહોંચી હતી. અહીં કલાકો સુધી પૂછપરછ અને તપાસ હાથ ધરવામાં આવી હતી. આ મામલે રાજસ્થાન એસઓજીએ પણ અત્યાર સુધીમાં ઉમેદવારો અને વાલીઓ સહિત 150 થી વધુ લોકોની અટકાયત કરી છે.
સીબીઆઈએ આ કેસમાં અત્યાર સુધીમાં 5 મુખ્ય સૂત્રધારોની ધરપકડ કરી છે. જેમાં જયપુરના મંગીલાલ બિવાલ, વિકાસ બિવાલ અને દિનેશ બિવાલનો સમાવેશ થાય છે. આ સિવાય હરિયાણાના ગુરુગ્રામથી યશ યાદવ અને નાસિકથી શુભમ ખૈરનારની ધરપકડ કરવામાં આવી છે. તપાસ એજન્સીઓ આ નેટવર્ક ક્યાં સુધી ફેલાયેલું છે તેની કડીઓ જોડી રહી છે.
આ પણ વાંચોઃ સામાન્ય માણસને ઝટકો: પેટ્રોલ-ડીઝલના ભાવમાં રૂ. 3 નો વધારો

