નવી દિલ્હી, 23 જાન્યુઆરી, 2026: આઝાદ હિંદ ફોજના સ્થાપક અને ભારતના મહાન સ્વાતંત્ર્ય સેનાની નેતાજી સુભાષચંદ્ર બોઝની જન્મજયંતિ એટલે કે ‘પરાક્રમ દિવસ’ નિમિત્તે PM મોદીએ તેમને નમન કર્યા હતા. પીએમ મોદીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શ્રેણીબદ્ધ પોસ્ટ દ્વારા નેતાજી સાથે જોડાયેલી યાદો તાજી કરી હતી તેમજ તેમની સરકાર દ્વારા લેવામાં આવેલા ઐતિહાસિક નિર્ણયોને યાદ કર્યા હતા. પીએમ ઉપરાંત અન્ય મહાનુભાવોએ પણ નેતાજી સુભાષચંદ્ર બોઝજીને શ્રદ્ધાંજલી પાઠવી હતી.
પ્રધાનમંત્રીએ ગુજરાતના હરિપુરાને યાદ કરતા જણાવ્યું કે, “નેતાજીએ મને હંમેશા પ્રેરણા આપી છે. 23 જાન્યુઆરી 2009ના રોજ જ્યારે ગુજરાતમાં ‘ઈ-ગ્રામ વિશ્વગ્રામ યોજના’ શરૂ કરવામાં આવી ત્યારે તેની શરૂઆત હરિપુરાથી કરવામાં આવી હતી. આ એ જ સ્થળ છે જેનું નેતાજીના જીવનમાં વિશેષ મહત્વ છે. હરિપુરાના લોકોએ જે રીતે મારું સ્વાગત કર્યું હતું અને જે રસ્તા પર નેતાજી ચાલ્યા હતા ત્યાં જ જે સરઘસ કાઢવામાં આવ્યું હતું, તે ક્ષણ હું ક્યારેય ભૂલી શકીશ નહીં.”
કોઈનું નામ લીધા વિના વિરોધ પક્ષ પર નિશાન સાધતા પીએમ મોદીએ કહ્યું કે, “નેતાજીના ભવ્ય યોગદાનને યાદ કરવું એ લોકોના એજન્ડામાં નહોતું જેમણે દાયકાઓ સુધી દેશ પર શાસન કર્યું. પરિણામે તેમને ભૂલાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો.” તેમણે ઉમેર્યું કે વર્તમાન સરકારે નેતાજી સાથે જોડાયેલી ગુપ્ત ફાઈલો સાર્વજનિક કરીને તેમના આદર્શોને જન-જન સુધી પહોંચાડ્યા છે.
આ પણ વાંચોઃ રાજ્યની ૧૩ હજારથી વધુ ગ્રામ પંચાયતોમાં ‘બાલિકા પંચાયત’ની રચના

