Site icon Revoi.in

ભારત-બાંગ્લાદેશ સરહદે નવો ગતિરોધ: 68 સ્થળોએ ફેન્સિંગ મુદ્દે ઢાકાનો લેખિત વિરોધ, વધુ 86 પ્રોજેક્ટ અટકાવ્યા

Social Share

નવી દિલ્હી, 11 જૂન 2026: ભારત અને બાંગ્લાદેશ વચ્ચેની આંતરરાષ્ટ્રીય સરહદ પર કાંટાળી વાડ (ફેન્સિંગ) અને અન્ય ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ્સના નિર્માણને લઈને એક નવો વિવાદ ઊભો થયો છે. બાંગ્લાદેશ સરકારે સરહદ પર ભારતના બાંધકામ સામે સત્તાવાર અને ઔપચારિક રીતે વિરોધ નોંધાવ્યો છે. ઢાકાનો આરોપ છે કે ભારતે સરહદી નિયમો અને દ્વિપક્ષીય પ્રક્રિયાઓનું ઉલ્લંઘન કર્યું છે. બાંગ્લાદેશે નવી દિલ્હીને સ્પષ્ટ જણાવ્યું છે કે સરહદ પર 68 જગ્યાઓ પર વાડ લગાવવાના પ્રોજેક્ટમાં ખામીઓ અને અનિયમિતતાઓ જોવા મળી છે, અને જ્યાં સુધી આ મુદ્દા ઉકેલાશે નહીં ત્યાં સુધી તે અન્ય 86 સ્થળોએ કાંટાળી વાડ લગાવવાનું કામ શરૂ કરવા દેશે નહીં.

બાંગ્લાદેશના વિદેશ મંત્રાલય દ્વારા આ અઠવાડિયે ઢાકા સ્થિત ભારતીય હાઈકમિશનને એક સત્તાવાર સંદેશ મોકલવામાં આવ્યો છે. આ પત્રમાં આક્ષેપ કરાયો છે કે, ભારતીય સત્તાવાળાઓએ બાંગ્લાદેશની પૂર્વ મંજૂરી લીધા વિના નો-મેન્સ લેન્ડની નજીક એટલે કે સરહદના 150 ગજના દાયરામાં અસંખ્ય સૈન્ય અને સિવિલ ગતિવિધિઓ કરી છે. બાંગ્લાદેશના અગ્રણી અખબાર ‘પ્રોથોમ આલો’ના અહેવાલ મુજબ, આ પ્રવૃત્તિઓ ૧૯૭૫ના ‘બાંગ્લાદેશ-ભારત સરહદ માર્ગદર્શિકા’ અને દ્વિપક્ષીય સમજૂતીની વિરુદ્ધ છે.

બાંગ્લાદેશે પોતાના રિપોર્ટમાં ફેબ્રુઆરી 2025થી મે 2026 વચ્ચે ભારતીય એજન્સીઓ દ્વારા થયેલા કથિત નિયમ ઉલ્લંઘનના આંકડા પણ રજૂ કર્યા છે. ઢાકાના દાવા મુજબ, આ સમયગાળા દરમિયાન સરહદ પર કુલ 68 સ્થળોએ નિયમોનું ઉલ્લંઘન જોવા મળ્યું છે. જેમાં સૌથી વધુ 39 કિસ્સા કાંટાળી વાડ લગાવવાના પ્રયાસોના છે. આ ઉપરાંત, સરહદી રસ્તાઓનું નિર્માણ કે સમારકામ કરવાના 33 કિસ્સા, બોર્ડર આઉટપોસ્ટ કે અન્ય માળખાં ઊભા કરવાના 27 કિસ્સા તેમજ પુલ, નાળાં અને સુરક્ષા કાવચના નિર્માણના 20 કિસ્સા નોંધાયા છે. આ સિવાય અન્ય ઇન્ફ્રાસ્ટ્રક્ચરને લગતી 18 જેટલી પ્રવૃત્તિઓ પણ બાંગ્લાદેશની સહમતી વિના કરવામાં આવી હોવાનો આરોપ લગાવવામાં આવ્યો છે.

આ રાજદ્વારી સંદેશ એવા સમયે આપવામાં આવ્યો છે જ્યારે નવી દિલ્હીમાં ‘બોર્ડર ગાર્ડ્સ બાંગ્લાદેશ’ અને ભારતના ‘સીમા સુરક્ષા બળ’ વચ્ચે ડિરેક્ટર જનરલ સ્તરની મહત્વની ચાર દિવસીય બેઠક ચાલી રહી છે. ગુરુવારે આ બેઠકનો અંતિમ દિવસ છે. રાજદ્વારી સૂત્રોના જણાવ્યા અનુસાર, સરહદ પર વધેલા આ આંતરિક તણાવને કારણે બંને દેશો આ વખતે સંયુક્ત પ્રેસ કોન્ફરન્સ યોજશે નહીં, માત્ર એક સત્તાવાર પ્રેસ રિલીઝ જ જાહેર કરવામાં આવશે.

આ બેઠક અને વિવાદ પાછળનું અન્ય એક મોટું કારણ ભારત દ્વારા સરહદ પાર મોકલવામાં આવી રહેલા કથિત ‘ગેરકાયદેસર બાંગ્લાદેશી નાગરિકો’ છે. આંકડા મુજબ, તાજેતરમાં ભારતે અંદાજે 5 હજાર જેટલા દસ્તાવેજો વગરના શંકાસ્પદ નાગરિકોને સરહદ પાર મોકલ્યા છે. બાંગ્લાદેશે આ પ્રક્રિયાને ગેરકાનૂની અને માનવાધિકારોનું ઉલ્લંઘન ગણાવ્યું છે. જ્યારે ભારતે સ્પષ્ટ કર્યું છે કે તે પોતાના સ્થાનિક કાયદા અને સ્થાપિત કાનૂની પ્રક્રિયાઓ હેઠળ જ ઘૂસણખોરોને ડિપોર્ટ કરી રહ્યું છે.

(PHOTO-FILE)

Exit mobile version