Site icon Revoi.in

ભારતના 12 રાજ્યમાં કોરોનાના નવા વેરિએન્ટ ઓમિક્રોનની દસ્તકઃ 113 કેસ નોંધાયાં

Social Share

દિલ્હીઃ દુનિયાના અનેક દેશોમાં કોરોના વાયરસનો નવો વેરિએન્ટ ઓમિક્રોન ઝડપથી ફેલાઈ રહ્યો છે. ભારતમાં અત્યાર સુધીમાં લગભગ 12 રાજ્યોમાં ઓમિક્રોનના પોઝિટિવ કેસ મળી આવ્યાં છે. ગુજરાત, રાજસ્થાન અને મહારાષ્ટ્ર સહિત 12 રાજ્યોમાં અત્યાર સુધીમાં 113 જેટલા કેસ મળી આવ્યાં છે. દરમિયાન સરકારે લોકોને કોરોનાના નવા વેરિએન્ટ ઓમિક્રોન વિશે ચેતવણી આપતા કહ્યું કે તેને હળવાશથી ન લો, જો સાવચેતી નહીં રાખવામાં આવે તો નિયંત્રણ મુશ્કેલ બનશે.

વૈજ્ઞાનિકોએ જણાવ્યું હતું કે, ઓમિક્રોનથી સંક્રમિત લોકોમાં હળવા લક્ષણો જોવા મળતા હોવા છતાં તે ઝડપથી લોકોને પોતાની ઝપેટમાં લઈ રહ્યું છે. આફ્રિકા, યુરોપ અને બ્રિટન જેવા દેશોના કોરોનાના નવા કેસ રેકોર્ડ ઊંચાઈએ પહોંચ્યા છે. તેને હળવાશથી લેવામાં આવે તો આ વેરિએન્ટ ભારતમાં પણ ઝડપથી ફેલાઈ શકે છે. તેથી જ Omicron સાથે સાવચેત રહેવું મહત્વપૂર્ણ છે.

દેશમાં ઓમિક્રોન વેરિએન્ટના કુલ 113 કેસ નોંધાયા છે. મહારાષ્ટ્રમાં એક જ દિવસમાં ઓમિક્રોનના આઠ, કેરળ અને ઉત્તર પ્રદેશમાં બે-બે કેસ મળી આવ્યા છે. આમ મહારાષ્ટ્રમાં અત્યાર સુધીમાં કુલ 40, દિલ્હીમાં 22, રાજસ્થાનમાં 17, તેલંગાણામાં 8, કર્ણાટકમાં 8, કેરળમાં 7, ગુજરાતમાં 5, ઉત્તર પ્રદેશ, આંધ્રપ્રદેશ-તામિલનાડુ-બંગાળ અને ચંદીગઢમાં 1-1 દર્દીઓ મળી આવ્યા છે.

ઇન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ (ICMR) ના ડાયરેક્ટર જનરલ ડૉ. બલરામ ભાર્ગવે દેશના 24 જિલ્લાઓમાં પાંચ ટકાથી વધુ ચેપ દર અંગે ચિંતા વ્યક્ત કરી હતી અને તેને પાંચ ટકા સુધી લાવવા માટે ટેસ્ટિંગ વધારવાનો પ્રયાસ કરશે. તેની સાથે ઓમિક્રોન વેરિઅન્ટ ચેપગ્રસ્ત અને તેમના સંપર્કોને તાત્કાલિક ઓળખવાની અને તેમને અલગ કરવાની જરૂર છે.

નીતિ આયોગના સભ્ય અને કોરોના રસીકરણ ટાસ્ક ફોર્સના વડા ડૉ. વી.કે.પાલે લોકોને અપીલ કરી કે, કોરોનાના નિયમોનું સ્તપણે પાલન કરે અને રસીના બંને ડોઝ લે. તેમણે લોકોને તહેવારો અને અન્ય ધાર્મિક અને સામાજિક મેળાવડાઓથી દૂર રહેવા અપીલ કરી હતી. તેમણે કહ્યું કે શિયાળામાં કોઈપણ રીતે વાયરસ ઝડપથી ફેલાઈ જવાનો ખતરો છે, તેથી જ નવા વર્ષની ઉજવણીમાં સાવચેતી રાખવાની જરૂર છે.

Exit mobile version