નવી દિલ્હી: દેશભરમાં મોંઘવારીનો સામનો કરી રહેલા સામાન્ય નાગરિકો અને વાહનચાલકો માટે નવા વર્ષની શરૂઆત રાહતજનક સમાચાર સાથે થશે. પેટ્રોલિયમ અને નેચરલ ગેસ રેગ્યુલેટરી બોર્ડ (PNGRB) એ કુદરતી ગેસના ટેરિફ સ્ટ્રક્ચરમાં મોટા ફેરફારોની જાહેરાત કરી છે, જે 1 જાન્યુઆરી 2026થી અમલી બનશે. આ ફેરફારને કારણે ઘરેલું પાઈપ્ડ નેચરલ ગેસ (PNG) અને કોમ્પ્રેસ્ડ નેચરલ ગેસ (CNG) ની કિંમતોમાં પ્રતિ યુનિટ 2 થી 3 રૂપિયા સુધીનો ઘટાડો થવાની શક્યતા છે.
PNGRB ના સભ્ય એ.કે. તિવારીએ એક વિશેષ મુલાકાતમાં જણાવ્યું હતું કે, ટેરિફ સિસ્ટમને સરળ બનાવવા માટે ઝોનની સંખ્યા ત્રણથી ઘટાડીને બે કરવામાં આવી છે. અગાઉ 2023ની સિસ્ટમ મુજબ અંતરના આધારે ત્રણ ઝોન હતા (રૂ. 43,80 અને 107). હવે નવા માળખા મુજબ, ઝોન-1 માટે યુનિફાઈડ રેટ રૂ. 54 નક્કી કરવામાં આવ્યો છે, જે અગાઉના રૂ. 80 અને 107ના દર કરતા નોંધપાત્ર રીતે ઓછો છે. આ ફેરફારનો સીધો લાભ આખા ભારતના CNG અને ઘરેલું PNG ગ્રાહકોને મળશે.
આ નવું ટેરિફ સ્ટ્રક્ચર ભારતમાં કાર્યરત 40 સિટી ગેસ ડિસ્ટ્રિબ્યુશન (CGD) કંપનીઓ હેઠળ આવતા 312 ભૌગોલિક વિસ્તારોને આવરી લેશે. તિવારીએ ઉમેર્યું કે, “ટ્રાન્સપોર્ટ સેક્ટર અને રસોઈમાં ગેસ વાપરતા ગૃહિણીઓને આનાથી મોટી આર્થિક રાહત મળશે. અમે સ્પષ્ટ નિર્દેશ આપ્યો છે કે કંપનીઓએ આ ઘટાડાનો પૂરેપૂરો લાભ ગ્રાહકો સુધી પહોંચાડવો પડશે, જેની અમે સતત દેખરેખ રાખીશું.”
સમગ્ર દેશને નેચરલ ગેસ નેટવર્કથી આવરી લેવા માટે સરકારી અને ખાનગી કંપનીઓને લાયસન્સ આપી દેવામાં આવ્યા છે. PNGRB માત્ર નિયમનકાર જ નહીં પણ સુવિધા પ્રદાતા તરીકે પણ કામ કરી રહ્યું છે. રાજ્ય સરકારો સાથે સંકલન સાધીને વેટ (VAT) માં ઘટાડો અને મંજૂરીઓની પ્રક્રિયા સરળ બનાવવામાં આવી રહી છે, જેથી આગામી સમયમાં નેચરલ ગેસનો વપરાશ વધશે અને પર્યાવરણને પણ ફાયદો થશે.

