Site icon Revoi.in

NIAને ધમકી ભર્યો ઈ-મેલ મળ્યોઃ આતંકવાદી હુમલો અને PM મોદીની હત્યાની ધમકી અપાઈ

Social Share

નવી દિલ્હી: ઈમેલ દ્વારા વડાપ્રધાન નરેન્દ્ર મોદીને જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી હોવાનું જાણવા મળે છે. ધમકીભર્યો મેલ મળ્યા બાદ ગુપ્તચર એજન્સીઓ સતર્ક થઈ ગઈ છે. નેશનલ ઈન્વેસ્ટિગેશન એજન્સી (NIA)ની મુંબઈ શાખાને મોકલવામાં આવેલા ઈમેલમાં PMને જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી હતી. તેમાં કહેવામાં આવ્યું છે કે 20 સ્લીપર સેલ તૈયાર છે જેમાં 20 કિલો આરડીએક્સ છે. ઈ-મેઈલ કરનારે લખ્યું છે કે તે આત્મહત્યા કરી રહ્યો છે જેથી પીએમ મોદીની હત્યાના ષડયંત્રનો પર્દાફાશ ન થઈ શકે. સુરક્ષા એજન્સીઓ માહિતી એકઠી કરી રહી છે કે પીએમ મોદીની હત્યાના કાવતરાને લઈને મળેલા ઈમેલનો સ્ત્રોત શું છે.

સુત્રોના જણાવ્યા અનુસાર, એનઆઈએને મળેલા ઈમેલ મુજબ હુમલાની યોજના તૈયાર કરવામાં આવી છે. મેલમાં કહેવામાં આવ્યું છે કે જે વ્યક્તિએ મેલ લખ્યો છે તેના ઘણા આતંકવાદીઓ સાથે પણ સંબંધ છે. જે મેઈલ આઈડી પરથી મેઈલ આવ્યો છે તેની સઘન તપાસ થઈ રહી છે. ધમકીભર્યા ઈમેલમાં લખવામાં આવ્યું છે કે તે વડાપ્રધાનની સાથે લાખો લોકોને નુકસાન પહોંચાડવા તૈયાર છે. ઈમેલમાં કહેવામાં આવ્યું છે કે, ‘…હું કેટલાક આતંકવાદીઓને મળ્યો છું, તેઓ મને આરડીએક્સ અંગે મદદ કરશે, હું ખુશ છું કે મને બોમ્બ ખૂબ જ સરળતાથી મળી ગયા અને હવે હું દરેક જગ્યાએ બ્લાસ્ટ કરીશ… મેં આયોજન કર્યું છે, 20 સ્લીપર સેલ એક્ટિવેટ કરવામાં આવશે અને લાખો લોકો માર્યા જશે…’

અત્રે ઉલ્લેખનીય છે કે, રાજસ્થાનમાં પોલીસે ગઈકાલે ત્રણ આતંકવાદીઓને ઝડપી લેવામાં આવી હતી. આ ત્રણેય શખ્સોની પોલીસ દ્વારા ઉંડાણપૂર્વક પૂછપરછ કરવામાં આવી રહી છે.