Site icon Revoi.in

પહેલગામ હુમલાના કેસમાં ગો-પ્રો કેમેરાનો ભેદ ઉકેલવા એનઆઈએ ચીન પાસે માંગશે મદદ

Social Share

નવી દિલ્હી, 3 માર્ચ 2026: ગત વર્ષે 22એપ્રિલના રોજ જમ્મુ-કાશ્મીરના પહેલગામમાં થયેલા ભીષણ આતંકી હુમલાની તપાસ કરી રહેલી નેશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સીએ હવે ચીન તરફ નજર દોડાવી છે. આ હુમલા પૂર્વે આતંકીઓ દ્વારા કરવામાં આવેલી રેકીમાં વપરાયેલા હાઈ-ટેક ‘ગો-પ્રો હીરો 12’ કેમેરાના ખરીદનાર અને તેના અંતિમ વપરાશકર્તાની વિગતો મેળવવા માટે જમ્મુની વિશેષ અદાલતે એનઆઈએને ચીન પાસેથી ન્યાયિક સહાય મેળવવાની મંજૂરી આપી દીધી છે.

એનઆઈએની તપાસમાં ચોંકાવનારો ખુલાસો થયો છે કે આતંકી મોડ્યુલે હુમલા પહેલા સુરક્ષા દળોની હિલચાલ અને પ્રવાસીઓના રૂટની જાસૂસી કરવા માટે ગો-પ્રો હીરો 12 બ્લેક કેમેરા (સીરીયલ નંબર: C3501325471706)નો ઉપયોગ કર્યો હતો. કેમેરાના નિર્માતા ‘ગો પ્રો બીવી’ એ એજન્સીને જાણ કરી છે કે આ ચોક્કસ કેમેરો ચીનના ડોંગગુઆન સ્થિત ડિસ્ટ્રિબ્યુટર ‘એઈ ગ્રુપ ઇન્ટરનેશનલ લિમિટેડ’ ને સપ્લાય કરવામાં આવ્યો હતો અને તે ૩૦ જાન્યુઆરી, ૨૦૨૪ ના રોજ ચીનમાં જ એક્ટિવ થયો હતો.

ભારત અને ચીન વચ્ચે પરસ્પર કાયદાકીય સહાય સંધિન હોવા છતાં, એનઆઈએ હવે સંયુક્ત રાષ્ટ્રના સંમેલન હેઠળ સહાય મેળવવાનો પ્રયાસ કરી રહી છે. જમ્મુની કોર્ટે તપાસ એજન્સીને ચીનના ન્યાયિક સત્તાધિકારીને ઔપચારિક રાજદ્વારી વિનંતી એટલે કે લેટર રોગેટરી (LR)જારી કરવાની પરવાનગી આપી છે, જેથી આ કેમેરો પહેલગામ સુધી કેવી રીતે પહોંચ્યો તેનું નેટવર્ક પકડી શકાય.

એનઆઈએએ આ કેસમાં સાત આરોપીઓ વિરુદ્ધ 1597 પાનાની ચાર્જશીટ દાખલ કરી છે. આ હુમલા પાછળ પાકિસ્તાન સ્થિત આતંકી સંગઠન લશ્કર-એ-તૈયબા અને તેના જૂથ ‘ધ રેઝિસ્ટન્સ ફ્રન્ટ’નો હાથ હોવાનું સાબિત થયું છે. ચાર્જશીટમાં પાકિસ્તાની હેન્ડલર સાજિદ જટ્ટના નામનો પણ ઉલ્લેખ છે.

તપાસમાં જાણવા મળ્યું છે કે હુમલામાં સામેલ ત્રણ પાકિસ્તાની આતંકીઓ – ફૈસલ જટ્ટ, હબીબ તાહિર અને હમઝા અફઘાની – જુલાઈ 2025માં શ્રીનગરના દાચીગામ ખાતે ‘ઓપરેશન મહાદેવ’ દરમિયાન ભારતીય સુરક્ષા દળો દ્વારા ઠાર કરવામાં આવ્યા હતા. ઉલ્લેખનીય છે કે આ આતંકી હુમલામાં 25 પ્રવાસીઓ અને એક સ્થાનિક નાગરિકે જીવ ગુમાવ્યો હતો.

આ પણ વાંચોઃ રશિયા પાસેથી ભારત વધુ 5 S-400 સુદર્શન સ્ક્વોડ્રન ખરીદશે, ચીન અને પાકિસ્તાન સરહદે તૈનાત કરાશે

Exit mobile version