Site icon Revoi.in

ભાજપના નવા રાષ્ટ્રીય અધ્યક્ષ નીતિન નવીનને મળી ઝેડ કેટેગરીની સુરક્ષા

Social Share

નવી દિલ્હી, 20 જાન્યુઆરી 2026: ભારતીય જનતા પાર્ટીના સંગઠનમાં એક નવા યુગની શરૂઆત થઈ છે. મંગળવારે પક્ષ દ્વારા નીતિન નવીનને સત્તાવાર રીતે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જાહેર કરવામાં આવ્યા છે. આ મહત્વપૂર્ણ જવાબદારી સોંપાયા બાદ તુરંત જ તેમની સુરક્ષામાં વધારો કરવામાં આવ્યો છે. નીતિન નવીનને હવે ઝેડ કેટેગરીની સુરક્ષા આપવામાં આવી છે, જે અંતર્ગત સીઆરપીએફ કમાન્ડો તેમની સુરક્ષાનું સંચાલન કરશે.

ભાજપ કાર્યાલય ખાતે આયોજિત એક વિશેષ કાર્યક્રમમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ નવનિર્વાચિત રાષ્ટ્રીય અધ્યક્ષ નીતિન નવીનનું ઉમળકાભેર અભિવાદન કર્યું હતું. આ પ્રસંગે પક્ષના અન્ય વરિષ્ઠ નેતાઓ અને કાર્યકરો પણ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા. નીતિન નવીને જેપી નડ્ડાના અનુગામી તરીકે પદભાર સંભાળ્યો છે. તેઓ ભાજપના 12માં રાષ્ટ્રીય અધ્યક્ષ બન્યા છે. નોંધપાત્ર બાબત એ છે કે, ભાજપના ઈતિહાસમાં આ સર્વોચ્ચ પદ પર પહોંચનારા તેઓ સૌથી નાની વયના નેતા છે. અગાઉ, 14 ડિસેમ્બર 2025ના રોજ 45 વર્ષીય નીતિન નવીનની પક્ષના રાષ્ટ્રીય કાર્યકારી અધ્યક્ષ તરીકે પસંદગી કરવામાં આવી હતી.

તેઓ 2010થી બિહારની બાંકીપુર વિધાનસભા બેઠક પરથી સતત ચૂંટાતા આવ્યા છે. તેમણે 2010, 2015, 2020 અને 2025ની ચૂંટણીઓમાં જીત હાંસલ કરી છે, આમ તેઓ પાંચ વખત ધારાસભ્ય બન્યા છે. એટલું જ નહીં બિહાર સરકારમાં કેબિનેટ મંત્રી તરીકે તેમણે માર્ગ નિર્માણ, શહેરી વિકાસ, આવાસ અને કાયદા જેવા મહત્વના વિભાગોનું સફળતાપૂર્વક સંચાલન કર્યું છે. તેમની સંગઠન શક્તિ અને યુવા જોશને જોતા આગામી સમયમાં ભાજપ નવા આયામો સર કરશે તેવી પક્ષના મોવડીમંડળને અપેક્ષા છે.

આ પણ વાંચોઃ બાંગ્લાદેશનો ICCને સીધો પડકાર, શરતો સ્વીકારવાનો ઈન્કાર

Exit mobile version