Site icon Revoi.in

ગુજરાતમાં કોરોનાના કાળ દરમિયાન ઓક્સિજનની અછતથી કોઈનું મોત થયુ નથીઃ CM રૂપાણી

Social Share

જુનાગઢ:  રાજ્યનાં મુખ્યમંત્રી વિજય રૂપાણીએ દાવો કર્યો હતો કે, ગુજરાતમાં કોરોના કાળ દરમિયાન ઓક્સિજનની અછતના કારણે એકપણ દર્દીનું મોત નથી થયું. આ સાથે એમ પણ જણાવ્યું કે, હજુ કોરોના ગયો નથી અને ત્રીજી લહેરની સંભાવના છે. ત્યારે આગામી મહિનાઓમાં આવતા તહેવારોમાં યોજાતા મેળાને કદાચ મંજૂરી ન પણ મળી શકે. આ સાથે ઓફલાઇન શિક્ષણ શરૂ કરવા માટે તેમણે જણાવ્યું કે, પ્રાથમિક શિક્ષણ ઓફલાઈન શરૂ કરવું કે નહીં તે અંગે પણ આગામી દિવસોમાં નિર્ણય લેવામાં આવશે.

તેમણે વધુમાં જણાવ્યું હતું કે, કોરોનાની બીજી લહેર દરમિયાન ગુજરાતમાં ઓક્સિજન ના પહોંચ્યો હોય અને દર્દીઓ મૃત્યુ પામ્યા હોય તેવો એકપણ બનાવ બન્યો નથી. વિપક્ષ લોકોને ભ્રમિત કરવા ખોટી વાતો ફેલાવી રહ્યો છે. તેમણે કહ્યું હતું કે, સરકારે પૂરતી વ્યવસ્થા કરી હતી. કોરોનાની ત્રીજી લહેર આપણે ઇચ્છીયે કે આવે નહીં તે જોતા ભીડ એકત્ર ના થાય તે બાબત સરકારની પ્રાથમિકતા છે.  મુખ્યમંત્રી રૂપાણીના ઓક્સિજનનાં કારણે કોરોનામાં એકપણ મોત નથી આ નિવેદન બાદ રાજકારણ ભારે ગરમાયું હતું..

તેમણે ઉમેર્યું હતું કે, રાહુલ ગાંધી માત્ર ટ્વિટર ટ્રોલની જેમ કામ કરી રહ્યા છે અને લોકો વચ્ચે ભ્રમ ફેલાવી રહ્યા છે. જે રાજ્યોમાં કોંગ્રેસની સરકાર છે તેમણે પણ ઓક્સિજનથી કોઈ મોત નહીં થયુ હોવાનુ કહ્યુ છે. નોંધનીય છે કે, કોરોનાની બીજી લહેર પ્રચંડ હતી ત્યારે આખા દેશમાં સૌથી મોટુ સંકટ ઓક્સિજનનુ અને હોસ્પિટલ બેડની અછતનું હતુ.  લોકોની ઓક્સિજન માટે મારામારી આખા દેશમાં જોવા મળી હતી અને સુપ્રીમ કોર્ટે પણ દરમિયાનગીરી કરવી પડી હતી. અનેક લોકો સોશિયલ મીડિયામાં પણ ઓક્સિજન માટે મદદ માંગી રહ્યાં હતા.