નવી દિલ્હી, 28 મે 2026: દેશની રાજધાની દિલ્હી, ઉત્તર પ્રદેશ, પંજાબ, હરિયાણા, મધ્ય પ્રદેશ અને રાજસ્થાન સહિતના તમામ ઉત્તર-પશ્ચિમ રાજ્યો હાલમાં તીવ્ર લૂ અને કાળઝાળ ગરમીના સકંજામાં છે. આકાશમાંથી વરસી રહેલી અગનઝોઆના કારણે જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, છેલ્લા 34 કલાકમાં રાજસ્થાનનું શ્રીગંગાનગર 48.2 ડિગ્રી સેલ્સિયસ મહત્તમ તાપમાન સાથે સમગ્ર દેશમાં સૌથી ગરમ નોંધાયું છે. જો કે, આ ભયાનક ગરમી વચ્ચે એક રાહતના સમાચાર પણ સામે આવ્યા છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થવાના કારણે આગામી 3 થી 4 દિવસમાં ઉત્તર ભારતના મોટાભાગના રાજ્યોમાં વરસાદી ઝાપટાં પડી શકે છે, જેનાથી તાપમાનનો પારો ગગડશે.
હવામાન વિભાગના આંકડા મુજબ, મધ્ય પ્રદેશના નૌગાંવ, ખજુરાહો, રીવા અને દમોહમાં પણ સખત ગરમી પડી રહી છે, જેમાં ખજુરાહો મધ્ય પ્રદેશનું સૌથી ગરમ સ્થળ રહ્યું છે. રાજસ્થાનમાં શ્રીગંગાનગર ઉપરાંત પિલાની અને કોટામાં પણ તાપમાન 47 ડિગ્રીની નજીક પહોંચી ગયું છે, જ્યારે બીકાનેર, ચુરુ, જેસલમેર અને ફલોદી 46 થી 47 ડિગ્રી તાપમાન સાથે લૂના થપેડા સહન કરી રહ્યા છે. હરિયાણામાં રોહતક 46.6 ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર રહ્યું છે. મહારાષ્ટ્રના વિદર્ભ પંથકમાં પણ બ્રહ્મપુરીમાં 46.4 ડિગ્રી, વર્ધામાં 47.1 ડિગ્રી, નાગપુરમાં 46.6 ડિગ્રી અને ગોંદિયામાં 45.2ડિગ્રી તાપમાન નોંધાયું છે.
ઉત્તર પ્રદેશના પૂર્વાંચલથી લઈને પશ્ચિમ યુપી સુધી સ્થિતિ ગંભીર છે. યુપીના બાંદામાં તાપમાન 47.8 ડિગ્રી સુધી પહોંચી ગયું છે, જ્યારે પ્રયાગરાજમાં 46.5 ડિગ્રી, હમીરપુરમાં 46.2 ડિગ્રી તેમજ કાનપુર, ઝાંસી, ઉરઈ અને દેવમાલીમાં મહત્તમ તાપમાન 46 થી 47 ડિગ્રીની વચ્ચે નોંધાયું છે.
બિહારનું સાસારામ સૌથી ગરમ શહેર રહ્યું
ચાલુ મે મહિનાના એકંદર આંકડાઓ પર નજર કરીએ તો ઓડિશાનું બાલાંગીર અને બિહારનું સાસારામ 48 ડિગ્રી તાપમાન સાથે દેશના સૌથી ગરમ શહેરોમાં મોખરે રહ્યા છે. આ સિવાય ઉત્તર પ્રદેશના વારાણસીમાં 47 ડિગ્રી અને ઝાંસીમાં 46.7 ડિગ્રી તાપમાન નોંધાયું છે. મધ્ય પ્રદેશના ગ્વાલિયરમાં પારો 45.6 ડિગ્રી અને ખજુરાહોમાં 44.3 ડિગ્રી રહ્યો છે. હરિયાણાનું હિસાર પણ 45.5 ડિગ્રી તાપમાન સાથે શેકાયું છે, જ્યારે દેશની રાજધાની નવી દિલ્હીમાં પણ તાપમાન 44.8 ડિગ્રી સેલ્સિયસ જેટલું ઊંચું નોંધાયું છે. રાજસ્થાનનું ભરતપુર 45 ડિગ્રી તાપમાન સાથે કાળઝાળ લૂનો સામનો કરી રહ્યું છે.
હવામાન નિષ્ણાતોના મતે પવનની બદલાતી દિશા અને પશ્ચિમી વિક્ષોભના કારણે ટૂંક સમયમાં જ લોકોને આ અસહ્ય તાપમાંથી થોડી રાહત મળશે. આગામી અઠવાડિયાની શરૂઆતમાં જ ધૂળની ડમરીઓ સાથે હળવોથી મધ્યમ વરસાદ પડવાની પૂરેપૂરી સંભાવના છે, જેનાથી સામાન્ય જનજીવનને મોટી શાંતિ મળશે.

