Site icon Revoi.in

લાઉડસ્પીકર હટાવવાએ ધાર્મિક નહીં પરંતુ સામાજીક મુદ્દોઃ રાજ ઠાકરે

Social Share

નવી દિલ્હીઃ મહારાષ્ટ્રમાં લાઉડસ્પીકર મામલે રાજકારણ વધારે ગરમાયું છે. અનેક સ્થળો ઉપર મનસેના કાર્યકરો હનુમાન ચાલીસાનું પઠન કરીને પોતાનો વિરોધ નોંધાવી રહ્યાં છે. પોલીસે 250 કાર્યકરોની અટકાયત કરી હોવાનું જાણવા મળે છે. બીજી તરફ સમગ્ર મામલે અઘાડી સરકારની મહત્વની બેઠક મળી હતી. દરમિયાન મનસેના વડા રાજ ઠાકરેએ મસ્જિદમાં લાઉડસ્પીકર હટાવવાની માંગણી સાથે આંદોલન ચાલુ રાખવાની હુંકાર કરી છે. તેમજ કહ્યું હતું કે, લાઉડસ્પીકર હટાવવા ધાર્મિક નહીં પરંતુ સામાજીક મુદ્દો છે.

રાજ ઠાકરેએ જણાવ્યું હતું કે, જ્યાં અજાન થશે ત્યાં જ હનુમાન ચાલીસાનું પઠન કરવામાં આવશે. જ્યાં સુધી ધાર્મિક સ્થળો ઉપરથી લાઉડસ્પીકર દૂર કરવામાં નહીં આવે ત્યાં સુધી આંદોલન ચાલુ રહશે. રાજ ઠાકરેએ આક્ષેપ કર્યો હતો કે, કેટલાક લોકો ધમકી ભર્યા ફોન કરી રહ્યાં છે અને પરેશાન કરી રહ્યાં છે. મનસેના કાર્યકરોને પણ પરેશાન કરવામાં આવી રહ્યાં છે. અમે માત્ર સુપ્રીમ કોર્ટના આદેશનું પાલન કરી રહ્યાં છીએ.

મહારાષ્ટ્રમાં ધાર્મિક સ્થળો ઉપર લાઉડ સ્પીકરના મામલે રાજ ઠાકરેએ અગાઉ ચીમકી ઉચ્ચારી હતી કે, લાઉડસ્પીકર હટાવવામાં નહીં આવે તો હનુમાન ચાલીસાનું પઠન કરીને વિરોધ કરવામાં આવશે. રાજ ઠાકરેની ચીમકીને પગલે સમગ્ર મહારાષ્ટ્રમાં પોલીસ બંદોબસ્ત વધારે ચુસ્ત કરી દેવામાં આવ્યો છે, તેમજ જાહેર સ્થળો ઉપર હનુમાન ચાલીસાનું પઠન કરવા મામલે મનસેના 250 જેટલા કાર્યકરોની અટકાયત પણ કરવામાં આવી છે. આગામી દિવસોમાં આ વિવાદ વધારે વકરે તેવી શકયતાઓ વ્યક્ત થઈ રહી છે.