Site icon Revoi.in

કુખ્યાત ગેંગસ્ટર અતિક અહેમદનો પુત્ર અસદ પોલીસ અથડામણમાં ઠાર મરાયો

Social Share

લખનૌઃ રાજ્યભરમાં ચકચારી મચાવનારા ઉમેશ પાલ હત્યા કેસમાં કુખ્યાત ગેંગસ્ટર અતિક અહેમદના ફરાર દીકરા અસદ અને તેના સગરિત ગુલામને ઉત્તરપ્રદેશ એસટીએફની ટીમે એન્કાઉન્ટરમાં ઠાર માર્યા હતા. બંને આરોપીઓ ઉપર રૂ. પાંચ લાખનું ઈનામ જાહેર કરવામાં આવ્યું હતું. આ એન્કાઉન્ટર ઝાંસીમાં કરવામાં આવ્યું છે, એટલું જ નહીં તપાસનીશ એજન્સીને સ્થળ પરથી વિદેશી હથિયારો પણ મળી આવ્યાં હતા.

ઉત્તરપ્રદેશ પોલીસએ જણાવ્યું હતું કે, અસદ અતિક અહમદ અને ગુલામ મકસુદન પ્રયાગરાજના ઉમેશ પાલ હત્યા કેસમાં ફરાર હતા. એટલું જ નહીં બંને આરોપીઓ ઉપર પાંચ-પાંચ લાખનું ઈનામ પણ જાહેર કરવામાં આવ્યું હતું. ઝાંસીના ડીએસપી નવેંદુ અને ડીએસપી વિમલની આગેવાની હેઠળની ઉત્તરપ્રદેશ એસટીએફની ટીમે એન્કાઉન્ટરમાં ઠાર માર્યાં છે. બંને પાસેથી કેટલાક વિદેશી હથિયારો પણ જપ્ત કરવામાં આવ્યાં છે. બંનેના મૃતદેહને પીએમ અર્થે હોસ્પિટલ મોકલી આપવાની પોલીસે કવાયત તેજ કરી છે. તેમજ ગેંગના અન્ય સાગરિતોને ઝડપી લેવા માટે ચક્રોગતિમાન કર્યાં છે.

6 મહિના પહેલા ગુનાની દુનિયામાં પ્રવેશેલા અસદ સામે કોઈ ફોજદારી કેસ નોંધાયો નથી. પરંતુ 24 ફેબ્રુઆરીએ પ્રયાગરાજના રોડ પર ઉમેશ પાલની હત્યા બાદ અસદ અહેમદ યુપીનો મોસ્ટ વોન્ટેડ ગુનેગાર બની ગયો હતો. પોલીસને શંકા છે કે અસદ અડધો ડઝન શૂટરોનું નેતૃત્વ કરતો હતો.

ઉમેશ પાલની સરાજાહેરમાં ગોળીમારીને હત્યા કરવાના કેસમાં કુખ્યાત ગેંગસ્ટર અતિક અહેમદ, તેના ભાઈ અશરફ અને પુત્ર અસદ સહિતના સાગરિતોની સંડોવણી સામે આવી હતી. જેથી પોલીસે અસદ અને તેના સાગરિતોની શોધખોળ આરંભી હતી. બીજી તરફ જેલમાં બંધ અતિક અહેમદ અને અશરફ અહેમદની ટ્રાન્સફર વોરન્ટના આધારે પોલીસે કસ્ટડી મેળવી હતી.