Site icon Revoi.in

રાજ્યમાં ઓમિક્રોનના દર્દીઓને કોવિડના દર્દીઓથી અલગ હોસ્પિટલમાં રખાશે, સરકારનો નિર્ણય

Social Share

અમદાવાદઃ કોરોનાનો નવો વાયરસ ઓમિક્રોનને લધે લોકોમાં ફફડાટ વ્યાપી ગયો છે. લોકો કોરોનાના કપરા કાળને યાદ કરીને ફરીવાર તો કપરો કાળ નઙી આવે ને? એવો ભય વ્યક્ત કરી રહ્યા છે. દરમિયાન જામનગરમાં કોરોનાનો ઓમિક્રોન વેરિઅન્ટ ધરાવતા દર્દીની જાણકારી મળતા જ ગુજરાત સરકારે યુદ્ધના ધોરણે તૈયારી શરૂ કરી દીધી છે. ઓમિક્રોનના કારણે હજુસુધી ભલે મોટી સંખ્યમાં મોત થયા ન હોય છતાં રાજ્ય સરકારે અગાઉના અનુભવોમાંથી બોધપાઠ લેતા ત્રીજી લહેરની સંભવનાને ધ્યાનમાં રાખીને જ તૈયારી આરંભી છે.

સૂત્રોના જણાવ્યા મુજબ સરકારે નક્કી કર્યું છે કે ઓમિક્રોન વેરિઅન્ટ ડીટેક્ટ થયો હશે તે દર્દીને સામાન્ય લક્ષણો હોય તો પણ ફરજિયાત હોસ્પિટલમાં રાખવામાં આવશે અને તેમને અન્ય કોવિડ દર્દીઓની સાથે રાખવાને બદલે અલાયદા વોર્ડમાં અને શક્ય હશે તો અલગ હોસ્પિટલમાં રાખવામાં આવશે. સંક્રમિત દર્દીના સંપર્કમાં આવેલા તમામ લોકોને ફરજિયાત ક્વોરન્ટાઇન કરવામાં આવશે. તેમનું સ્થાનિક આરોગ્ય સ્ટાફ સરપ્રાઇઝ ચેકિંગ કરશે જેથી તેઓ બહાર ન નીકળે અને જો કોઇ વ્યક્તિએ ક્વોરન્ટાઇન નિયમનો ભંગ કર્યો હશે તો એપિડેમિક એક્ટ હેઠળ તેને જેલ પણ થઇ શકે છે. આ તમામ લોકોનું ચોથા અને આઠમા દિવસે આરટીપીસીઆર ટેસ્ટ થશે.

રાજ્ય સરકારના સૂત્રોએ વધુમાં જણાવ્યુ હતું કે,  સોમવારથી રાજ્યમાં અલગ અલગ શહેરો અને ગ્રામીણ વિસ્તારોમાં કોરોનાના દર્દીઓ અચાનક વધી જાય તો કેવી રીતે કામ કરવું તે મોક ડ્રીલ પણ યોજાવાની છે. તબીબી અને નર્સિંગના 1.33 લાખ સ્ટાફની ટ્રેઇનિંગ શરૂ થઇ ગઇ છે અને નિષ્ણાંતોની ટીમો દરેક જિલ્લામાં જઇને પરિસ્થિતિ વણસતી અટકે તે માટે કામ કરશે. આ ઉપરાંત આઇસીયુમાં કામ કરતાં ડોક્ટર્સ અને નર્સની પણ ટ્રેઇનિંગ થઇ રહી છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે તાબડતોબ આ અંગે એક સમીક્ષા બેઠક બોલાવી હતી અને ત્રીજા વેવને લઇને તમામ તૈયારી ત્વરિત પૂર્ણ કરી દેવાની સૂચના આપી છે. આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ અને ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવી આ બેઠકમાં હાજર રહ્યા હતા.

દુબઇથી ભારત આવ્યા બાદ મુંબઇ અને રાજસ્થાનમાં રોકાણ બાદ દાહોદ આવેલા ત્રણ સભ્યો પોઝિટિવ આવ્યા છે. ગાંધીનગરમાં અમેરિકાથી આવેલી 2 યુવતી સંક્રમિત છે. જ્યારે લંડનથી આવીને વડોદરા જઈ રહેલી યુવતી અને યુકેથી નવસારી આવેલા તબીબ પણ કોરોના પોઝિટિવ આવ્યા છે.