Site icon Revoi.in

22 જાન્યુઆરીએ રામમંદિર પ્રાણપ્રતિષ્ઠાના દિવસે 5 રાજ્યોમાં રજા જાહેર

Social Share

નવી દિલ્હી: અયોધ્યામાં રામલલાની પ્રાણપ્રતિષ્ઠાને લઈને 22 જાન્યુઆરીએ કેન્દ્ર સરકારે અડધા દિવસની રજા જાહેર કરી છે. કેન્દ્રીય મંત્રી જિતેન્દ્રસિંહે કહ્યુ છે કે તમામ કેન્દ્રીય સરકારી કાર્યાલયો અડધા દિવસ માટે બંધ રહેશે. કેન્દ્ર સરકાર મુજબ, 22 જાન્યુઆરએ અયોધ્યા રામમંદિરમાં રામલલાની પ્રાણપ્રતિષ્ઠા સાથે જોડાયેલા સમારંભોમાં ભાગ લેવા માટે કર્મચારીઓની મોટી માગણીઓ બાદ કેન્દ્ર સરકારે દેશમાં કેન્દ્ર સરકારના પ્રતિષ્ઠાનોને અડધો દિવસ બંધ રાખવાની ઘોષણા કરી છે.

કાર્મિક, લોક ફરિયાદ અને પેન્શન મંત્રાલયના કાર્મિક અને પ્રશિક્ષણ વિભાગ દ્વારા જાહેર કરવામાં આવેલા નોટિફિકેશન પ્રમાણે, દેશભરના તમામ કેન્દ્રીય સરકારી કાર્યાલયો, કેન્દ્રીય સંસ્થાઓ અને કેન્દ્રીય ઔદ્યોગિક પ્રતિષ્ઠાનો બપોરે અઢી વાગ્યાથી અડધો દિવસ માટે બંધ રહેશે.

મહત્વપૂર્ણ છે કે અયોધ્યામાં પ્રાણપ્રતિષ્ઠા સમારંભના પ્રસંગે ભારત અને વિદેશોમાં સંગઠનો અને લોકોના સમૂહો દ્વારા વિભિન્ન ગતિવિધિઓની યોજના બનાવાય છે. અયોધ્યામાં રામલલાની પ્રાણપ્રતિષ્ઠાના અનુષ્ઠાનમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી ખુદ મુખ્ય અતિથિ છે. રાષ્ટ્રીય પ્રસારક દૂરદર્શને સંપૂર્ણ કાર્યક્રમના જીવંત પ્રસારણ માટે વ્યાપક વ્યવસ્થા કરી છે. તેને ઘણી ખાનગી ટેલિવિઝન ચેનલો પર પણ લાઈવ દેખાડવામાં આવશે. ભારત અને વિદેશોમાં જાહેરસ્થાનો પર મોટા સ્ક્રીન પર અયોધ્યા સમારંભના લાઈવ સ્ક્રીનિંગની પણ વ્યવસ્થા કરવામાં આવી છે.

5 રાજ્યોમાં 22 જાન્યુઆરીએ રજા જાહેર-

ઉત્તરપ્રદેશ- 22 જાન્યુઆરીએ મુખ્યમંત્રી યોગી આદિત્યનાથના નિર્દેશ પ્રમાણે રામમંદિર પ્રાણ પ્રતિષ્ઠા સમારંભને ધ્યાનમાં રાખીને યુપીમાં શૈક્ષણિક સંસ્થાઓ બંધ રહેશે. આખા રાજ્યમાં તે દિવસે દારૂની દુકાનો પણ બંધ રહેશે.

મધ્યપ્રદેશ-

મધ્યપ્રદેશના મુખ્યમંત્રી મોહન યાદવે 22 જાન્યુઆરીએ સ્કૂલોમાં રજા જાહેર કરી છે. લોકોને તે દિવસ તહેવારની જેમ ઉજવવા માટે પ્રોત્સાહીત કરાય રહ્યા છે. મોહન યાદવે દારૂ અને ભાંગની દુકાનોને બંધ રાખવાનો આદેશ કર્યો છે. 22 જાન્યુઆરીએ મધ્યપ્રદેશમાં ડ્રાઈ ડેની ઘોષણા કરવામાં આવી છે. તેમણે કહ્યુ છે કે જનભાવનાઓને ધ્યાનમાં રાખીને અમે નિર્ણય કર્યો છે કે 22 જાન્યુઆરીએ રાજ્યમાં ડ્રાઈ ડે રહેશે. દારૂ અને ભાંગની દુકાનો બંધ રહેશે.

ગોવા-

અંગ્રેજી અખબાર પ્રમાણે, ગોવા સરકારે પણ 22 જાન્યુઆરીએ અયોધ્યામાં રામજન્મભૂમિ મંદિરમાં પ્રાણપ્રતિષ્ઠા સમારંભને ધ્યાનમાં રાખીને સરકારી કર્મચારીઓ અને સ્કૂલો માટે રજાની ઘોષણા કરી છે. મુખ્યમંત્રી પ્રમોદ સાવંતે કેબિનેટ બેઠક બાદ કહ્યુ છે કે સ્કૂલોની સાથે માત્ર સરકારી કર્મચારીઓ માટે જાહેર રજા હશે.

છત્તીસગઢ-

છત્તીસગઢ સરકારે અયોધ્યામાં રામમંદિરમાં મૂર્તિની પ્રાણ પ્રતિષ્ઠાના સમારંભની ઉજવણી કરવા માટે રાજ્યની તમામ સરકારી સ્કૂલો અને કોલેજોમાં 22 જાન્યુઆરીની રજા જાહેર કરી છે. મુખ્યમંત્રી વિષ્ણુદેવ સાયે સોશયલ મીડિયા પર લખ્યુ છે કે સિયારામને આખો સંસાર ઓળખે છે. હું તમને યથાશક્તિ પ્રણામ કરું છું. અયોધ્યામાં પ્રભુ શ્રીરામ મંદિરના પ્રતિષ્ઠાપનના દિવસે 22 જાન્યુઆરીએ છત્તીસગઢની તમામ સરકારી અને બિનસરકારી સ્કૂલો અને કોલેજોમાં રજા રહેશે.

હરિયાણા-

હરિયાણા સરકારે પણ રામમંદિર પ્રાણપ્રતિષ્ઠાને ધ્યાનમાં રાખીને 22 જાન્યુઆરીએ સ્કૂલો બંધ રાખવાની ઘોષણા કરી છે. તેની સાથે આ દિવસે ડ્રાઈ ડે જાહેર કરાયો છે.