Site icon Revoi.in

અમદાવાદમાં ફરી એક વાર લકઝુરિયસ કારના ચાલકે નશાની હાલતમાં સર્જી અકસ્માતની હારમાળા

Social Share

અમદાવાદઃ શહેરના છેવાડે ઈસ્કોન બ્રિજ ઉપર સર્જાયેલી દૂર્ઘટનાને પગલે સફાળા જાગેલા પોલીસ તંત્ર દ્વારા ઓવરસ્પીડ વાહન હંકારનાર સામે કાર્યવાહી કરવામાં આવી રહ્યાંના દાવા કરાય છે. દરમિયાન ફરી એકવાર લકઝુરિયર્સ કારના ચાલકે નશામાં ચકચુર હાલતમાં સેટેલાઈટ વિસ્તારમાં કેટલાક વાહનોને અટફેટે લીધા હોવાનું જાણવા મળે છે. દરમિયાન માણેકબાગ નજીક કાર અથડાતા લોકોએ તેને નશાની હાલતમાં ઝડપીને પોલીસને જાણ કરી હતી. આ અંગે પોલીસે ગુનો નોંધીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. આ સમગ્ર ઘટનાનો વીડિયો જાગૃત નાગરિકોએ ઉતાર્યો હતો. નશામાં ચકચુર હાલતમાં કાર ચાલકે સર્જેલી અકસ્માતની હારમાળામાં કોઈને ગંભીર ઈજા નહીં થઈ હોવાનું જાણવા મળે છે.

સુત્રોના જણાવ્યા અનુસાર શહેરના સેટેલાઈટ વિસ્તારમાં રાત્રિના સમયે એક મોંઘી મોટરકાર પૂરઝડપે પસાર થઈ રહી હતી અને કેટલાક વાહનોનો અડફેટે લીધા હતા. દરમિયાન આ કાર માણેકબાગ નજીક અથડાઈ હતી. આ દરમિયાન લોકોએ એકત્ર થઈ હતા. અકસ્માત બાદ કારમાંથી નિકળેલો ચાલક દારૂના નશામાં ચકચુર હાલતમાં હોવાનું માલુમ પડ્યું હતું. જેથી સમગ્ર ઘટનાને લઈને પોલીસને જાણ કરી હતી. આ બનાવની જાણ થતા ઉચ્ચ અધિકારીઓ સહિતનો પોલીસ કાફલો સ્થળ પર દોડી ગયો હતો. તેમજ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. કારના ચાલકનું નામ કમલેશ બિશ્નોઈ (રહે, મણિનગર, અમદાવાદ) હોવાનું ખૂલ્યું હતું. બનાવ સમયે કારનો ચાલક ઉભો રહી શકે તેવી સ્થિતિમાં ન હતો. સેટેલાઈટ અને વસ્ત્રાપુર પોલીસે કાર ચાલકની સામે ગુનો નોંધ્યો હતો. તેમજ સેટેલાઈટ પોલીસે આરોપીની ધરપકડ કરીને રિમાન્ડ મેળવવાની કવાયત હાથ ધરી હતી.