Site icon Revoi.in

કોરોના મહામારીઃ ગુજરાતમાં એક કરોડ નાગરિકો કોરોના રસીના બંને ડોઝ લઈને બન્યા સુરક્ષિત

Social Share

અમદાવાદઃ ગુજરાતમાં કોરોનાને ડામવા માટે સરકાર દ્વારા રસીકરણ અભિયાન વેગવંતુ બનાવવામાં આવ્યું છે. દરમિયાન અત્યાર સુધીમાં રસીકરણ અભિયાનમાં 4.12 કરોડ લોકોએ કોરોનાની રસી લીધી છે. આ ઉપરાંત એક કરોડ નાગરિકોએ અત્યાર સુધીમાં કોરોનાના બંને ડોઝ લઈ લીધા છે.

પ્રાપ્ત માહિતી અનુસાર 19.66 લાખ હેલ્થ વર્કર અને ફ્રન્ટલાઈન કોરોના વોરિયર્સને કોરોનાનો પ્રથમ ડોઝ આપવામાં આવ્યો છે. આવી જ રીતે 15.88 લાખ લોકોને કોરોનાના બંને ડોઝ આપીને સુરક્ષિત કરવામાં આવ્યાં છે. 45થી વધુ વર્ષના 1.37 કરોડ લોકોને કોરોનાની રસીનો પ્રથમ ડોઝ અપાયો છે. જ્યારે 72.84 લાખ લોકોને કોરોનાની રસીના બંને ડોઝ આપી દેવામાં આવ્યાં છે.

18થી 45 વર્ષ સુધીના 1.55 કરોડ યુવાનોને કોરોનાનો પ્રથમ ડોઝ આપવામાં આવ્યો છે. જ્યારે 11.18 લાખ લોકોએ કોરોનાના બંને ડોઝ લઈ લીધા છે. કોરોના સામે માસ્ક સહિતના નિયમોનું પાલન અને રસી જ બચાવ માટે જરૂરી હોવાથી રસીકરણમાં વધારે વેગવંતુ બનાવવામાં આવ્યું છે. રાજ્યમાં 60 ટકા લોકોને કોરોના રસીકરણમાં આવરી લેવામાં આવ્યાં છે. અત્યાર સુધી 4.11 કરોડ લોકોએ કોરોનાની રસી લીધી છે.

સરકારના પ્રયાસોને પગલે 2.16 કરોડ પુરુષોની સાથે 1.80 કરોડ મહિલઓએ પણ કોરોનાની રસી લીધી છે. રાજ્યની વિજય રૂપાણી સરકારે કોરોનાને ડામવા માટે રાજ્યના તમામ નાગરિકોને રસી લેવા માટે વિનંતી કરી છે. બીજી તરફ બાળકોની રસી માટે પરિક્ષણ ચાલી રહ્યું છે. આગામી દિવસોમાં બાળકોની રસી પણ ઉપલબ્ધ થઈ જશે.