Site icon Revoi.in

ભારત અને શ્રીલંકા વચ્ચે વન-ડે, ટી20 મેચ 13 જુલાઈથી શરૂ નહીં થાય, કોરોનાનું ગ્રહણ

Social Share

મુંબઈ : કોરોના વાયરસના કારણે તમામ સ્પોર્ટ્સ એક્ટિવીટીને ભારે અસર થઈ છે, જેમાં ખાસ કરીને ફૂટબોલ અને ક્રિકેટને તો સૌથી વધારે. ભારતીય ક્રિકેટ ટીમ અત્યારે શ્રીલંકાના પ્રવાસે છે અને ત્યાં પણ કોરોના વાયરસનું ગ્રહણ લાગી ગયું છે.

ભારત અને શ્રીલંકા વચ્ચે મંગળવારથી શરુ થનારી વન ડે શ્રેણી હવે 17 જુલાઈથી શરુ થશે. શ્રીલંકાના બેટીંગ કોચ ગ્રાન્ટ ફ્લાવર અને ડેટા એનાલિસ્ટ જેટી નિરોશન કોરોના પોઝિટિવ જણાયા હતા. જેને લઈને હવે વન ડે શ્રેણી પ્રભાવિત થઈ છે. શ્રીલંકન ક્રિકેટ ટીમના ખેલાડીઓને કેટલોક સમય ક્વોરન્ટાઈનમાં રાખવા માટે નિર્ણય લેવાયો હતો. આમ ખેલાડીઓની સુરક્ષાને ધ્યાને રાખીને કાર્યક્રમમાં બદલાવ કરવામાં આવ્યો હોવાની જાણકારી સામે આવી રહી છે.

શિખર ધવનની આગેવાનીમાં ભારતીય ટીમ શ્રીલંકા પ્રવાસે છે. ભારત અને શ્રીલંકા વચ્ચે 3 વન ડે અને 3 T20 મેચોની શ્રેણી રમાનારી છે. જે આગામી 13 જુલાઈથી શરુ થનારી હતી.

BCCIના એક સિનીયર અધિકારી એ આ અંગે પુષ્ટી કરી હતી. મીડિયા રીપોર્ટસ મુજબ તેઓએ કહ્યું હતું કે, શ્રેણીને 13 જુલાઇને બદલે 17 જુલાઈથી શરુ કરવામાં આવશે.આ નિર્ણય ખેલાડીઓની સુરક્ષાને ધ્યાને રાખીને કરવામાં આવ્યો છે. આ માટે શ્રીલંકા ક્રિકેટ સાથે વાતચીત કરીને નિર્ણય લેવાયો છે. ઈંગ્લેન્ડમાં મર્યાદિત ઓવરની શ્રેણી રમી ટીમ શ્રીલંકા સ્વદેશ પરત ફરી હતી.