Site icon Revoi.in

અમદાવાદમાં સાયન્સ સિટીથી થોળ અને વૈષ્ણોદેવી સર્કલ સુધી વધુ એક હેલિકોપ્ટર રાઈડ્સ શરૂ કરાશે

Social Share

અમદાવાદઃ શહેરીજનો અને બહારગામથી આવતા પ્રવાસીઓ  શહેરનો એરિયલ-વ્યુનો નજારો માણી શકે તે માટે સાબરમતી રિવરફ્રન્ટથી સાબરમતી ક્રિકેટ સ્ટેડિયમ સુધીના જોય રાઈડ શરૂ કરવામાં આવી છે. તેને સારો પ્રતિસાદ મળતા હવે માર્ચ 2022થી સાયન્સસિટીથી થોળ અને અદાણી શાંતિગ્રામ(વૈષ્ણોદેવી સર્કલ) તરફની જોય રાઈડ શરૂ કરવામાં આવે તેવી શક્યતા છે.

એરોટ્રાન્સ એર ચાર્ટર સર્વિસ પૂરી પાડતી કંપનીના સૂત્રોએ જણાવ્યું હતું કે અત્યારે સાબરમતી રિવરફ્રન્ટથી જોય રાઈડ શરૂ કરવામાં આવી છે, જેમાં દર શુક્રવાર અને શનિવારે રાઈડ ચાલે છે, જે તમામ ફુલ જાય છે. ગત જાન્યુઆરી મહિનામાં પણ તમામ રાઈડ્સ ફુલ હતી, એમાં 600 લોકોએ આ જોય રાઈડની મજા માણી હતી. આગામી માર્ચ મહિનાથી સાયન્સસિટીથી નવો રૂટ શરૂ થશે, જેના માટે ATC પરમિશન વગેરેની પ્રક્રિયા ચાલે છે. ઝડપથી આ રૂટ શરૂ થશે, જેમાં એક દિવસ રિવરફ્રન્ટ અને એક દિવસ સાયન્સસિટીથી ચાલશે.

સૂત્રએ ઉમેર્યુ હતું કે, એરોટ્રાન્સે પહેલી જાન્યુઆરી, 2022ના રોજ સાબરમતી રિવર ફ્રન્ટ ખાતે વોટર એરોડ્રોમથી હેલિકોપ્ટર જોય રાઈડ્સનો પ્રારંભ કર્યો હતો. ત્યારથી અત્યારસુધી જોય રાઈડ્સને 100 ટકા બુકિંગ મળ્યું છે. તમામ હેલિકોપ્ટર રાઈડનું બુકિંગ એરોટ્રાન્સની વેબસાઈટ www.aerotrans.in થકી ઓનલાઈન માધ્યમથી થાય છે. આ રાઈડ્સ અમદાવાદ એર ટ્રાફિક કન્ટ્રોલરના સુપરવિઝન હેઠળ હાથ ધરાય છે. દરેક જોય રાઈડ માટે પેસેન્જરદીઠ ચાર્જીસ રૂ. 2,360 છે. હવે શહેરના સાયન્સ સિટીથી વૈશ્નોદેવી સર્કલ, અદાણી શાંતિગ્રામ, થોળ સુધીની હેલિકોપ્ટર રાઈડ શરૂ કરવામાં આવશે. મંજુરીની પ્રકિયા લગભગ પૂર્ણ થઈ ગઈ છે. એટલે માર્ચથી વધુ એક રૂટ પર જોઈ રાઈડ શરૂ કરવામાં આવે તેવી શક્યતા છે.(file photo)