Site icon Revoi.in

એક રાષ્ટ્ર, એક પ્રવેશ પરીક્ષાઃ હવે સેન્ટ્રલ યુનિવર્સિટી કોમન એંટ્રેંસ ટેસ્ટના આધારે કોલેજમાં થશે એડમિશન

Social Share

નવી દિલ્હીઃ સેન્ટ્રલ યુનિવર્સિટી કોમન એન્ટ્રેન્સ ટેસ્ટ (CUCET)ની પરીક્ષા હિન્દી, ગુજરાતી, અંગ્રેજી, તમિલ, કન્નડ, બંગાળી, ઓડિયા સહિત 23 ભાષામાં યોજાશે. આ પરીક્ષાનું આયોજન નેશનલ ટેસ્ટિંગ એન્જસી તરફથી કરવામાં આવશે. ધ ન્યૂ કોમન યુનિવર્સિટી એજ્યુકેશન ટેસ્ટ જુલાઈ 2022ના પ્રથમ સપ્તાહમાં લેવાશે ત્યારે ધો-12 બોર્ડની પરીક્ષા પૂર્ણ થઈ હશે. આની એપ્લિકેશન પ્રક્રિયા ઓનલાઈન થશે અને એપ્રિલના પ્રથમ સપ્તાહની તેની શરૂઆત કરવામાં આવશે. આ ટેસ્ટ કોમ્પ્યુટર બેસ્ડ અને મલ્ટીપલ ચોઈસ હશે.

યુજીસીના અધ્યક્ષ એમ જગદીશ કુમારે કહ્યું હતું કે, મોટાભાગના વિદ્યાર્થીઓને સ્માર્ટફોનનું જેટલુ જ્ઞાન છે એટલું કોમ્પ્યુટરનું જ્ઞાન નથી, એટલે તેઓ પરીક્ષા કેન્દ્ર ઉપર સ્માર્ટફોન લઈ શકશે. તેમજ મલ્ટીપલ ચોઈસ પ્રશ્નોના જવાબ આપવા માટે માઉસનો પણ ઉપયોગ કરી શકશે. કેટલાક અંડર ગ્રેજ્યુએટ પ્રોગ્રામ માટે 100 ટકા કટ ઓફ ઉપર પ્રવેશ આપવો હાસ્પાસ્પદ છે. જેથી કોમન પરીક્ષા દેશના તમામ વિદ્યાર્થીઓને એક સમાન અવસર આપશે. આમ ધો-12ના વિદ્યાર્થીઓ વધારે માર્કસની પાછળ દોડવાને બદલે શિખવા ઉપર ફોકસ કરી શકશે. આ ટેસ્ટનું આયોજન નેશનલ ટેસ્ટીંગ એજન્સી દ્વારા કરવામાં આવશે. એટલે કે કોઈ પણ પ્રાઈવેટ, સ્ટેટ અથવા ડીમ્ડ યુનિવર્સિટી યુજીની સીટો ઉપર ધો-12ના મેરિટ આધારે પ્રવેશ નહીં આપી શકે.

યુજીસીના ચેરમેનએ કહ્યું કે, એક રાષ્ટ્ર, એક પ્રવેશ પરીક્ષા સમગ્ર દેશના વિદ્યાર્થીઓને રાહત આપનારી રહેશે. જેના પરિણામે વિદ્યાર્થીઓને પ્રવેશ પરીક્ષાના નામે અન્ય પ્રવેશ પરીક્ષાઓ નહીં આપવી પડે. ધો-12 પાસ તમામ વિદ્યાર્થીઓ આ પરીક્ષા આપી શકે છે. જો કે, ધો-12ના માર્કસ દ્વારા યુનિવર્સિટીમાં પ્રવેશ પ્રક્રિયા સેટ થશે. યુનિવર્સિટીમાં યુજી વિદ્યાર્થીઓને કોમન ટેસ્ટ દ્વારા પ્રવેશ મળશે. પરંતુ તેમની યોગ્યતાને નક્કી કરવા માટે ધો-12ના માર્કસ ને બેંચમાર્ક માનવામાં આવશે. આ પ્રવેશ પરીક્ષા ધો-12માં એનસીઈઆરટીના મોડલ અભ્યાસક્રમ આધારિત હશે. આ પરીક્ષામાં આરક્ષણની નીતિઓ પ્રભાવિત નહીં થાય, યુનિવર્સિટીઓ વિદ્યાર્થીઓને સામાન્ય સિટોની સાથે આરક્ષિત સીટો ઉપર પણ સીયુઈટી સ્કોર દ્વારા અનરોલ કરી શકે છે.