Site icon Revoi.in

ડિગ્રી આર્કિટેક્ચરની 1450 બેઠક પર પ્રવેશ માટે 23મી સુધી ઓનલાઇન રજિસ્ટ્રેશન શરૂ

Social Share

અમદાવાદઃ રાજ્યમાં ડિગ્રી આર્કિટેક્ચરમાં પ્રવેશનો કાર્યક્રમ જાહેર કરી દેવામાં આવ્યો છે. આર્કિટેક્ચરમાં પ્રવેશ માટે નાટા ફરજિયાત હોવાથી જે વિદ્યાર્થીઓે નાટા આપી હોય તે વિદ્યાર્થીઓને 23મી ઓગસ્ટ સુધી રજિસ્ટ્રેશનની સૂચના આપવામાં આવી છે. હાલમાં આર્કિટેક્ચરમાં કુલ 1450 બેઠકો ઉપલબ્ધ છે. ગતવર્ષે માત્ર 900 બેઠકો ભરાઇ હતી.  ડિગ્રી ઇજનેરીમાં પ્રવેશ માટે રજિસ્ટ્રેશન પૂર્ણ થયા બાદ હવે આર્કિટેકચરમાં પ્રવેશ માટેની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે.  પ્રવેશ સમિતિ દ્વારા કાર્યક્રમ જાહેર કરી દેવામાં આવ્યો છે. જેમાં 23મી ઓગસ્ટ સુધી વિદ્યાર્થીઓ ઓનલાઇન રજિસ્ટ્રેશન કરાવી શકશે. 26મી ઓગસ્ટે ફાઇનલ સીટ મેટ્રિક્સ જાહેર કરવામાં આવશે.

પ્રવેશ સમિતીના સૂત્રોના જણાવ્યા મુજબ રાજ્યમાં ડિગ્રી આર્કિટેક્ચરમાં પ્રવેશ માટે  જે વિદ્યાર્થીઓે નાટા આપી હોય તે વિદ્યાર્થીઓને 23મી ઓગસ્ટ સુધી રજિસ્ટ્રેશનની સૂચના આપવામાં આવી છે. 5મી સપ્ટેમ્બરના રોજ પ્રોવિઝનલ મેરિટ લિસ્ટ જાહેર થશે. જેના આધારે 6થી 11મી સુધી મોક રાઉન્ડ માટે ચોઇસ ફિલિંગ કરવાની રહેશે.તેમજ  13મી સપ્ટેમ્બરે મોક રાઉન્ડનું પરિણામ જાહેર કરાશે. 9મીએ ફાઇનલ સીટ મેટ્રિક્સ અને 12મીએ ફાઇનલ મેરિટ લિસ્ટ જાહેર કરવામાં આવશે. પહેલા રાઉન્ડ માટે ચોઇસ ફિલિંગ 14મીથી 17મી સપ્ટેમ્બર વચ્ચે કરવાની રહેશે.  જેના આધારે 20મી સપ્ટેમ્બરે પહેલા રાઉન્ડમાં કોલેજની ફાળવણી કરવામાં આવશે. વિદ્યાર્થીઓ 21મીથી 23મી સપ્ટેમ્બર સુધી વિદ્યાર્થીઓ પ્રવેશ રદ કરાવી શકશે. ખાલી બેઠકોની વિગતો તા. 27મી સપ્ટેમ્બરના રોજ જાહેર કરવામા આવશે. હાલમાં આર્કિટેક્ચરમાં ઇડબલ્યુએસ કેટેગરી વગર કુલ 1280 બેઠકો ઉપલબ્ધ છે. જયારે કુલ 1450 બેઠકો માટે કાર્યવાહી કરવામા આવી રહી છે. આર્કિટેક્ચરમાં પ્રવેશ માટે નાટા ફરજિયાત હોવાથી ગતવર્ષે 900 વિદ્યાર્થીઓએ પ્રવેશ લેતાં અંદાજે 600 બેઠકો ખાલી પડી હતી.