Site icon Revoi.in

ઓપરેશન ક્લીનઃ યોગી સરકારે ગુનેગારો પાસેથી કરોડોની સંપતિ જપ્ત કરી

Social Share

લખનૌઃ દેશમાં એક સમયે ગુનાખોરીમાં ઉત્તરપ્રદેશનું નામ મોખરે આવતું હતું. જો કે, યોગી આદિત્યનાથની ભાજપ સરકારમાં ગુનાખોરીને ડામવા માટે ઓપરેશન ક્લીન ચલાવવામાં આવી રહ્યું છે. ગેંગસ્ટર મુખ્તાર અંસારી સહિત 25 માથાભારે ગુનેગારો પાસેથી ગેંગસ્ટર એક્ટ હેઠળ રૂ. 11.28 કરોડની સંપતિ જપ્ત કરવામાં આવી છે.

યોગી સરકાર દ્વારા ઓપરેશન ક્લીન અંતર્ગત જેલમાં કેદ માફિયા મુખ્તાર અંસારી અને તેની ગેંગ પર મે 2021 સુધી મોટી કાર્યવાહી કરવામાં આવી. રાજ્ય સરકાર દ્વારા જાહેર કરાયેલી માહિતી અનુસાર માફિયા મુખ્તાર અંસારી ગેંગના 244 સભ્યો પર કાર્યવાહી કરવામાં આવી, જેમાં 1 અબજ 94 કરોડ રુપિયાની સંપત્તિ ધ્વસ્ત કે જપ્ત કરાઈ છે. એટલું જ નહીં આ કાર્યવાહીની વચ્ચે 158 ગુનેગારોની ધરપકડ કરાઈ અને 122ના હથિયાર લાયસન્સ રદ કરાયા છે. 110 ગુનેગારોની વિરુદ્ધ ગેંગસ્ટર અને 30 વિરુદ્ધ ગુંડા એક્ટ તથા 6 પર એનએસએની કાર્યવાહી કરાઈ છે.

કુખ્યાત ડોન અને સાબરમતી જેલમાં કેદ અતીક અહેમદ અને સોનભદ્ર જેલમાં કેદ માફિયા સુંદર ભાટીની વિરુદ્ધ યુપી સરકારે કાર્યવાહી કરી છે. અતીક અહેમદ અને 89 ગુંડા પર પ્રયાગરાજ ક્ષેત્રમાં કાર્યવાહી કરી, જેમાં આ ગુંડાઓની 3 અબજ 25 કરોડની સંપત્તિ જપ્ત કરાઈ છે. આ ગેંગ વિરુદ્ધ 21 કેસ દાખલ કરીને 9ને જેલમાં મોકલવામાં આવ્યા અને 11 વિરુદ્ધ ગુંડા એક્ટ તથા 1 સામે ગેંગસ્ટરની કાર્યવાહી કરાઈ છે. જ્યારે સુંદર ભાટી ગેંગના 9 સભ્યો પર કાર્યવાહી કરીને 63 કરોડની સંપત્તિ જપ્ચ કરવામાં આવી છે. જ્યારપે કુંટૂ સિંહ ગેંગના 43 સભ્યોની ધરપકડ કરાઈ છે અને તેમની ગેગની કુલ 18 કરોડની સંપત્તિ જપ્ત કરવામાં આવી છે.

યુપી સરકારે જાહેર કરેલાં આંકડા અનુસાર એપ્રિલ 2020 થી એપ્રિલ 2021 સુધી કુલ 5558 કેસ દાખલ કરીને 22,259 ગુનેગારો પર કાર્યવાહી કરવામાં આવી છે. રાજ્ય સરકારની યાદીમાં જાહેર કરાયેલાં માફિયા ડોન સંજીવ ઉર્ફે જીવા, બબલૂ શ્રીવાસ્તવ, સુંદર ભાટી, સિંહરાજ ભાટીને આજીવન જેલની સજા કરાઈ છે. જ્યારે માફિયા ડોન આકાશ જાટને બે કેસમાં 7 વર્ષ અને ત્રણ વર્ષની અલગ-અલગ સજા કરવામાં આવી છે. જ્યારે આ ગેંગના અમિત ઉર્ફે ભુરાને 3 વર્ષની જેલની સજા કરાઈ છે.

 

Exit mobile version