Site icon Revoi.in

ગુજરાતમાં ઓરેન્જ એલર્ટ જાહેર,આગામી બે દિવસમાં ભારેથી અતિભારે વરસાદની સંભાવના

Social Share

અમદાવાદ : ગુજરાતમાં છેલ્લા કેટલાક દિવસથી વરસાદી વાતાવરણ જામેલું રહે છે. કેટલાક જિલ્લા તથા ગ્રામ્ય વિસ્તારોમાં ભારે વરસાદના કારણે રસ્તાઓ બંધ થયા હતા તો જામનગરમાં વધારે પાણી ભરાઈ જતા હાલત બગડી હતી, પણ તંત્ર દ્વારા યોગ્ય કામગીરી કરવામાં આવી છે.

આવામાં હવામાન વિભાગ દ્વારા ફરીવાર આગાહી કરવામાં આવી છે કે આગામી 21 સપ્ટેમ્બર સુધી અનેક જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદ પડી શકે છે. છેલ્લા 24 કલાકમાં રાજ્યના 101 તાલુકાઓમાં મેઘમહેર થઈ છે. જેમાં દાહોદ, સુરેન્દ્રનગર, ખેડા, અરવલ્લી, અમદાવાદ, સાબરકાંઠા જિલ્લામાં સાર્વત્રિક વરસાદ થયો છે. જ્યારે આજે સવારે 6 વાગ્યાથી લઈને આઠ વાગ્યા સુધીની સ્થિતિમાં 6 તાલુકાઓમાં વરસાદ થયો છે. જેમાં નવસારી, વલસાડ અને પાટણ જિલ્લાના તાલુકાઓમાં વરસાદ ખાબક્યો છે.

ગુજરાતમાં ચોમાસાની વર્તમાન સિઝનમાં 24.64 ઈંચ સાથે મોસમનો સરેરાશ 74.51 ટકા વરસાદ નોંધાઇ ચૂક્યો છે. ગુજરાતમાં હજુ પણ 20 ટકા વરસાદની ઘટ જોવા મળી રહી છે.

હાલની આગાહીના આધારે IMDએ શનિવારે યેલો ઓરેન્જ જાહેર કર્યું છે, જ્યારે રવિવારથી મંગળવાર સુધી ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે. વરસાદની વાતાવરણના કારણે તાપમાનનો પારો પણ નીચે ગગડશે. વધુમાં રાજસ્થાન અને ગુજરાતમાં 18થી 21 સપ્ટેમ્બર સુધી અતિભારે વરસાદ પડી શકે છે. તેમાં પણ ગુજરાતના સૌરાષ્ટ્ર અને કચ્છમાં છૂટા છવાયા વિસ્તારોમાં અતિભારે વરસાદની શક્યતા છે.