Site icon Revoi.in

ભૂપેન્દ્ર પટેલની સરકારને વધુ ગતિશીલ બનાવવા પેન્ડિંગ કામો પૂર્ણ કરવાના મંત્રીઓને આદેશ

Social Share

ગાંધીનગરઃ ગુજરાત વિધાનસભાની ચૂંટણીને હવે એક વર્ષ જેટલો સમય બાકી રહ્યો છે. ત્યારે ભૂપેન્દ્ર પટેલની સરકારના મંત્રીઓએ પેન્ડિંગ કામો સત્વરે પૂર્ણ કરવા ભાજપના પ્રદેશ પ્રમુખ સી આર.પાટીલે સુચના આપી હતી. ચૂંટણીને એક વર્ષ બાકી હોવાથી હવે આ સરકાર પાસે વધુ સમય નથી અને એટલે જ ચૂંટણીને લક્ષમાં રાખીને ભાજપ પ્રમુખ સી આર પાટીલ અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે મંત્રીઓની તાબડતોબ બેઠક બોલાવી હતી. આ બેઠકમાં પાટીલે તમામ મંત્રીઓને પોતાના વિભાગના કામ ઝડપથી પૂર્ણ કરવાનું જણાવ્યું છે.

સૂત્રોના જણાવ્યા મુજબ ભૂપેન્દ્ર પટેલની સરકાર કોઈ કડક નિર્ણય ન લે તે માટે સી.આર પાટીલ સરકાર પર ધ્યાન રાખી રહ્યા છે. પાટીલ માને છે કે કાર્યકર્તાને લીધે જ પાર્ટી સત્તા પર છે. આથી કાર્યકર્તાઓને પુરતું માન આપવા તેમજ તેમના યોગ્ય પ્રશ્નોનું નિરાકરણ લાવવા પણ સુચન કર્યું હતું.

મુખ્યમંત્રી અને પ્રદેશ પ્રમુખની ઉપસ્થિમાં મળેલી મંત્રીઓની બેઠકમાં  દરેક મંત્રીને પોતાના વિભાગના અત્યાર સુધીના થયેલાં કામો અને નજીકના ભવિષ્યમાં જે કાર્યો થઇ શકે તેની બ્લૂપ્રિન્ટ લઇને આવવા જણાવાયું હતું. આ દરમિયાન પાટીલે કહ્યું કે ગુજરાત વિધાનસભાની ચૂંટણીને આડે લાંબો સમય છે તેવા વિચારમાં રહેવાને બદલે ઝડપથી તમામ કામો પૂર્ણ કરો. આ બેઠક આમ તો મુખ્યમંત્રીના અધ્યક્ષ સ્થાને જ યોજાઇ હતી, પરંતુ મુખ્યમંત્રી કરતાં વધુ સંબોધન પાટીલે જ કર્યું હતું. જો કે પાટીલ મંત્રીમંડળના કોઇપણ સભ્યના કામથી અસંતુષ્ટ હોય તેવું લાગ્યું નહોતું.

સૂત્રોએ ઉમેર્યુ હતું કે, ભાજપના પ્રદેશ પ્રમુખે જે વાત કરી તેમાં એ રણકો હતો કે હજુ સુધી નવી સરકારની કામગીરીને લઇને લોકોમાં જોઇએ તેવી છાપ ઉપસી નથી. હવેના સમયમાં દરેક મંત્રીએ આ દિશામાં ઝડપથી કામ કરવું પડશે.

હવે આ મીટિંગ બાદ ટૂંક સમયમાં જ ગુજરાત સરકાર પ્રજાલક્ષી કાર્યો અને યોજનાઓની જાહેરાતો કરશે. આ ઉપરાંત ખૂબ લોકપ્રિય એવું બજેટ રજૂ કરીને તેના થકી જ ચૂંટણીલક્ષી એજન્ડા તૈયાર થશે. સરકારને તેના રુટિન કામકાજમાંથી બહાર આવીને ફાસ્ટટ્રેક પર મોટી જાહેરાત કરવા માટે અને તે અનુસાર સરકારના અધિકારીઓને પણ ટાર્ગેટ આપવામાં આવશે.

(Photo-File)