Site icon Revoi.in

PSL ને બદલે IPLમાં જોડાનારા શ્રીલંકન કેપ્ટન શનાકા ઉપર પાકિસ્તાને એક વર્ષનો પ્રતિબંધ મુક્યો

Social Share

નવી દિલ્હી, 21 એપ્રિલ 2026: વિશ્વની સૌથી મોટી અને પ્રતિષ્ઠિત ક્રિકેટ લીગ IPL (ઈન્ડિયન પ્રીમિયર લીગ) નો દબદબો એવો છે કે હવે દિગ્ગજ ખેલાડીઓ અન્ય નાની લીગ છોડીને ભારત તરફ વળી રહ્યા છે. શ્રીલંકાના ટી20 કેપ્ટન અને સ્ટાર ઓલરાઉન્ડર દાસુન શનાકાએ પાકિસ્તાન સુપર લીગ (PSL) ને બદલે IPL 2026 માં રમવાનો નિર્ણય લેતા પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ (PCB) ની ઊંઘ હરામ થઈ ગઈ છે. આ મામલે પાકિસ્તાને પોતાની ભડાસ કાઢતા શનાકા પર એક વર્ષનો કડક પ્રતિબંધ લાદી દીધો છે.

દાસુન શનાકાએ પીએસએલમાં લાહોર કલંદર્સ વતી રમવાને બદલે આઈપીએલમાં રાજસ્થાન રોયલ્સનો ભાગ બનવાનું પસંદ કર્યું હતું. જેથી નારાજ PCB એ શનાકા પર એક વર્ષનો પ્રતિબંધ મૂક્યો છે. માત્ર શનાકા જ નહીં, ઝિમ્બાબ્વેના ફાસ્ટ બોલર બ્લેસિંગ મુઝરબાની પર પણ પાકિસ્તાને બે વર્ષનો પ્રતિબંધ ઠોકી દીધો છે. જોકે, મુઝરબાનીના એજન્ટે સ્પષ્ટ કર્યું છે કે, તેમના ખેલાડીએ ક્યારેય પીએસએલના કોઈ કોન્ટ્રાક્ટ પર હસ્તાક્ષર કર્યા નહોતા. આનાથી સાબિત થાય છે કે પાકિસ્તાન બોર્ડ ખેલાડીઓને ડરાવી-ધમકાવીને પોતાની લીગની પ્રતિષ્ઠા બચાવવા વ્યર્થ પ્રયાસો કરી રહ્યું છે.

વિવાદ વધતા દાસુન શનાકાએ શાલીનતા સાથે પોતાનો પક્ષ રાખ્યો છે. તેણે કહ્યું કે, “મને PSLમાંથી હટવાનો અફસોસ છે અને હું પાકિસ્તાનના લોકોની માફી માંગુ છું. જ્યારે મેં નામ પાછું ખેંચ્યું હતું, ત્યારે મારો ઈરાદો કોઈ અન્ય ટુર્નામેન્ટમાં જવાનો નહોતો.” જોકે, ક્રિકેટ નિષ્ણાતોનું માનવું છે કે શનાકાનું આ નિવેદન માત્ર વિવાદ શાંત કરવા માટે છે. વાસ્તવિકતા એ છે કે દરેક ખેલાડી આઈપીએલના એ ગ્લેમર, પૈસા અને વર્લ્ડ ક્લાસ અનુભવનો હિસ્સો બનવા માંગે છે જે પીએસએલ ક્યારેય આપી શક્યું નથી.

આ ઘટના બાદ ફરી એકવાર સાબિત થયું છે કે વૈશ્વિક ક્રિકેટ કેલેન્ડરમાં આઈપીએલ સામે પીએસએલ જેવી લીગ ક્યાંય ટકી શકતી નથી. ખેલાડીઓ પોતાના કરિયર અને ભવિષ્ય માટે ભારતના મંચને જ સર્વોપરી માની રહ્યા છે.

Exit mobile version