Site icon Revoi.in

પાકિસ્તાનમાં મંદિર ઉપર થયેલા હુમલાથી નારાજ કોર્ટે કર્યો સવાલ, મસ્જિદ ઉપર હુમલો થયો હોત તો શું કર્યું હોત ?

Social Share

દિલ્હીઃ ભારતના પડોશી દેશ પાકિસ્તાનમાં અવાર-નવાર કટ્ટરવાદીઓ દ્વારા હિન્દુ મંદિરોને નિશાન બનાવીને તોડફોડ કરવાની ઘટના સામે આવે છે. તાજેતરમાં જ કેટલાક કટ્ટરપંથીઓએ એક મંદિરમાં તોડફોડ કરી હોવાની ઘટના બની હતી. જેની સુપ્રીમ કોર્ટેના મુખ્ય ન્યાયમૂર્તિએ ગંભીર નોંધ લઈને આરોપીઓ સામે આકરી કાર્યવાહી કરવા માટે આદેશ કર્યોં હતો. તેમજ પોલીસને પણ આડેહાથ લઈને સવાલ કર્યો હતો કે, શું મસ્જિદ ઉપર હુમલો થયો હોત તો શું કરતા?

પ્રાપ્ત માહિતી અનુસાર પાકિસ્તાનમાં તાજેતરમાં એક હિંદુ મંદિરની મુસ્લિમ સમુદાયના ટોળા દ્વારા તોડફોડ કરવામાં આવી છે. આ મામલે પાકિસ્તાન સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસ ગુલજાર અહમદે પંજાબ પોલીસના વડાની આકરાં શબ્દોમાં ઝાટકણી કાઢી છે. પાકિસ્તાન હિંદૂ કાઉન્સિલના મુખ્ય સંરક્ષક રમેશ કુમાર સાથે મુલાકાત બાદ ચીફ જસ્ટિસે ભોંગ ગામમાં મંદિર પર થયેલાં હુમલાની ઘટનાને ગંભીરતાથી લીધી હતી. તેમજ ચીફ જસ્ટિસે મંદિર તોડવાની ઘટનામાં સામેલ તમામ આરોપીઓની ધરપકડ કરવા આદેશ કર્યો હતો. તેમજ પોલીસની કામગીરી સામે નારાજગી વ્યક્ત કરીને સવાલ કર્યો હતો કે, આ પ્રકારે મસ્જિ ઉપર હુમલો થયો હોત તો મુસલમાનોએ શું કર્યું હોત. હવે આ કેસની વધુ સુનાવણી 13મી ઓગષ્ટના રોજ યોજાશે.

સુનાવણી દરમિયાન ચીફ જસ્ટિસે ઘટના પર નારાજગી વ્યક્ત કરતાં કહ્યું કે આ હુમલાથી વિશ્વભરમાં પાકિસ્તાનની ઈમેજને ભારે નુકસાન થયું છે. ટોળું મંદિર તોડતું હતું ત્યારે પોલીસ મૂકદર્શક બની જોતી રહી હતી. જો ડેપ્યુટી કમિશનર અને ડીપીઓ પોતાનું કામ નથી કરી રહ્યાં તો તેમને તાત્કાલિક સસ્પેન્ડ કરવામાં આવે. ચીફ જસ્ટિસે આ ઉપરાંત એક કિશોરની ધરપકડ કરનાર પોલીસ જવાનને સસ્પેન્ડ કરવાનો આદેશ કર્યો હતો.