Site icon Revoi.in

બુલંદશહરમાં નકલી ભારતીય દસ્તાવેજો સાથે પાકિસ્તાની નાગરિક ઝડપાયો, ઓળખ છુપાવી રહેતો હતો

Social Share

લખનૌ, 24 એપ્રિલ 2026: ઉત્તર પ્રદેશના બુલંદશહરમાં ગુના નિયંત્રણ અભિયાન હેઠળ કોતવાલી નગર પોલીસને મોટી સફળતા મળી છે. પોલીસે નુમાઈશ પુલ નીચેથી એક પાકિસ્તાની નાગરિકની ધરપકડ કરી છે, જે નકલી નામ અને સરનામા પર બનાવેલા ભારતીય દસ્તાવેજોના આધારે અહીં ગેરકાયદેસર રીતે રહેતો હતો. આરોપી પાસેથી નકલી ઓળખ પત્રો અને પાકિસ્તાની પાસપોર્ટ મળી આવ્યો છે.

વરિષ્ઠ પોલીસ અધિક્ષક દિનેશ કુમાર સિંહના નિર્દેશન અને એસપી સિટી અભિષેક પ્રતાપ અજેયના નેતૃત્વમાં પોલીસ ટીમ શંકાસ્પદ વ્યક્તિઓની શોધમાં હતી. આ દરમિયાન મળેલી ચોક્કસ બાતમીના આધારે પોલીસે ઘેરાબંધી કરીને બાસિદ ઇરશાદ નામના શખ્સને દબોચી લીધો હતો. પોલીસ તપાસમાં બહાર આવ્યું છે કે આરોપી મૂળ પાકિસ્તાનના ન્યૂ કરાચીનો રહેવાસી છે. તપાસમાં સનસનીખેજ ખુલાસો થયો છે કે આરોપીએ પોતાની અસલી ઓળખ છુપાવી હતી. તેણે ‘સૈયદ વાસિત અલી’ના નામે સુશીલા વિહાર (ભૂડ)ના સરનામે નકલી આધાર કાર્ડ અને ડ્રાઇવિંગ લાયસન્સ બનાવી લીધા હતા. પોલીસ દ્વારા અલગ-અલગ કચેરીઓમાંથી કરવામાં આવેલા વેરિફિકેશનમાં આ દસ્તાવેજો બનાવટી હોવાનું સાબિત થયું છે. જાણવા મળ્યું છે કે, આરોપીની માતા પાસે ‘લોન્ગ ટર્મ વિઝા’ હતા અને આરોપીએ પણ વિઝા માટે અરજી કરી હતી, જે હાલ શાસન સ્તરે વિચારાધીન છે.

ઝડપાયેલા બાસિદનો ગુનાહિત ઇતિહાસ પણ સામે આવ્યો છે. વર્ષ 2012માં મેરઠના બ્રહ્મપુરી પોલીસ સ્ટેશનમાં ફોરેનર્સ એક્ટ (વિદેશી અધિનિયમ) હેઠળ તેની વિરુદ્ધ ગુનો નોંધાયો હતો અને તે જેલની હવા પણ ખાઈ ચૂક્યો છે. પોલીસ હવે એ દિશામાં તપાસ કરી રહી છે કે આ પાકિસ્તાની નાગરિકને ભારતીય દસ્તાવેજો બનાવવામાં કોણે મદદ કરી અને તેની પાછળ કોઈ મોટું ષડયંત્ર છે કે કેમ. હાલમાં તેની સામે છેતરપિંડી અને વિદેશી અધિનિયમની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

આ પણ વાંચોઃ ચોમાસું વહેલું બેસવાની શક્યતા, 18 થી 25 મેની વચ્ચે આંદામાન-નિકોબારમાં ચોમાસુ દસ્તક દેશે

Exit mobile version