Site icon Revoi.in

પેલેસ્ટાઈન મુદ્દાનો ઉકેલ જરૂરી, પરંતુ આતંકવાદ અસ્વીકાર્ય : ડો.એસ.જયશંકર

Social Share

નવી દિલ્હીઃ રોમના પ્રવાસે ગયેલા ભારતના વિદેશ મંત્રી ડો.એસ.જયશંકરે સંયુક્ત સત્રમાં ઈઝરાયલ અને હમાસ યુદ્ધનો ઉલ્લેખ કર્યો હતો. તેમજ કહ્યું હતું કે, આતંકવાદ અસ્વીકાર્ય છે પરંતુ તેની સાથે જ પેલેસ્ટાઈન મુદ્દાનું સમાધાન પણ જરૂરી છે. સંયુક્ત સત્રને સંબોધતા જયશંકરે કહ્યું કે, 7 ઓક્ટોબરે જે બન્યું તે આતંકવાદનું મોટું કૃત્ય હતું. સમગ્ર વિસ્તારમાં તણાવ છે. યુદ્ધને કારણે મધ્ય પૂર્વની સાથે સમગ્ર વિશ્વ ચિંતિત છે. સંઘર્ષ સામાન્ય નથી. વિવિધ મુદ્દાઓને સંતુલિત કરવાની જરૂર છે. નવી દિલ્હીએ બે-રાજ્ય ઉકેલનો પુનરોચ્ચાર કર્યો હતો. આપણે આ બાબતમાં સંતુલન જાળવવાની જરૂર છે. આતંકવાદ બધા માટે અસ્વીકાર્ય છે, તેના વિશે કોઈ પ્રશ્ન નથી. પેલેસ્ટાઈનની સમસ્યાઓ હલ થવી જોઈએ.

વિદેશ મંત્રી જયશંકરે વધુમાં કહ્યું કે, આપણે વાતચીત દ્વારા ઉકેલ શોધવો પડશે. આતંકવાદ દ્વારા ઉકેલ શોધી શકાતો નથી. અમે વાતચીતને સમર્થન આપીશું. માનવતાવાદી કાયદાનું સન્માન કરવું જોઈએ. ભારત હંમેશા પેલેસ્ટાઈનની સાથે છે, અમે હંમેશા તેને સાર્વભૌમ અને સ્વતંત્ર, ઈઝરાયેલ સાથે શાંતિથી રહેવાની હિમાયત કરી છે.

હમાસના આતંકવાદીઓએ 7 ઓક્ટોબરના રોજ ઈઝરાયલ ઉપર હવાઈ હુમલો કર્યો બાદ માનવતાને નેવે મુકીને ખુની ખેલ ખેલ્યો હતો અને અનેક નિર્દોશ લોકોની હત્યા કરી હતી. હમાસના આતંકવાદી હુમલા બાદ ઈઝરાયલની સેનાએ પણ હમાસનો ખાતમી બોલાવવાની પ્રતિજ્ઞા લઈને ગાઝા પટ્ટીમાં હમાસના ઠેકાણા ઉપર હુમલા શરુ કર્યાં હતા. હમાસે કરેલા આતંકવાદીએ ઈઝરાયલના 1400 નાગરિકોની હત્યા કરી હતી. બીજી તરફ યુદ્ધમાં અત્યાર સુધીમાં 10 હજારથી વધારે વ્યક્તિઓના મોત થયાં છે.