Site icon Revoi.in

પંચમહાલઃ પાનમ જળાશયના પાણીથી સાત ગામના 11 તળાવો ભરાશે

Social Share

અમદાવાદઃ સરકાર દ્વારા ખેડૂતોના હિતમાં પંચમહાલ જિલ્લાના મોરવા (હડફ) તાલુકાને પાનમ જળાશય આધારિત ઉદવહન સિંચાઈ યોજનાનો લાભ આપવાનો મહત્વનો નિર્ણય કરવામાં આવ્યો છે. આ ઉદવહન સિંચાઈ યોજના દ્વારા મોરવા (હડફ) તાલુકાના કુલ સાત ગામોના 11 તળાવો પાણીથી ભરવામાં આવશે. જેના પરિણામે કુલ 1172 હેક્ટર વિસ્તારને પરોક્ષ રીતે સિંચાઈનો લાભ મળશે. જ્યારે આજુ બાજુના 60થી વધુ કુવામાં પાણીના સ્તર પણ ઊંચા આવશે તેમ, જળ સંપત્તિ મંત્રી કુંવરજીભાઈ બાવળીયાએ જણાવ્યું હતું.

જળ સંપત્તિ મંત્રી કુંવરજીભાઈએ કહ્યું હતું કે, મોરવા (હડફ) તાલુકાના સિંચાઈથી વંચિત એવા વિસ્તારને સિંચાઈની સુવિધા આપવા માટે સાગવાડા તથા મેત્રાલ પાસે એમ બે અલગ અલગ જગ્યાએ પમ્પીંગ સ્ટેશન મૂકી પાનમ જળાશયમાંથી પાણી ઉદવહન કરી આ વિસ્તારના ગામ તળાવો ભરવામાં આવશે. આ ઉદવહન સિંચાઈ યોજના અંદાજે રૂ. 35 કરોડના ખર્ચે તૈયાર કરવામાં આવશે, તેમ મંત્રીએ ઉમેર્યું હતું.
જળ સંપત્તિ રાજ્ય મંત્રી મુકેશભાઈ પટેલે કહ્યું હતું કે, મધ્ય ગુજરાતના પંચમહાલ જિલ્લાના મોરવા (હડફ) તાલુકામાં હડફ સિંચાઈ યોજના કાર્યરત છે, જેના દ્વારા મોરવા (હડફ) તાલુકાના વિવિધ ગામોને સિંચાઈનો લાભ આપવામાં આવે છે. પરંતુ આ યોજનાના કમાન્ડની બહાર આવતાં વિવિધ ગામોમાં સિંચાઈનો અન્ય કોઈ વૈકલ્પિક સ્રોત ઉપલબ્ધ ન હોવાથી આ ગામો સિંચાઈના લાભથી વંચિત હતા. આ વિસ્તારના ખેડૂતોને સિંચાઈ માટે તેમજ સામાન્ય નાગરિકોને પીવાનું પાણી મળી રહે તેવા ઉમદા હેતુથી રાજ્ય સરકાર દ્વારા આ મહત્વપૂર્ણ નિર્ણય કરવામાં આવ્યો છે.