Site icon Revoi.in

ગુજરાતમાં ધો-6થી 8માં અભ્યાસ કરતા સંતાનોને સ્કૂલ મોકલવામાં વાલીઓને ખચકાટ

Social Share

અમદાવાદઃ ગુજરાતમાં કોરોનાનું સંક્રમણ સતત ઘટતા હવે સ્કૂલોમાં ધીમે-ધીમે વર્ગો શરૂ કરવામાં આવી રહ્યાં છે. ધો-9થી 12ના વર્ગો શરૂ થયા બાદ હવે તા. 18મી ફેબ્રુઆરીથી ધો-6થી 8ના વર્ગો શરૂ થઈ રહ્યાં છે. જે માટે સ્કૂલ સંચાલકો દ્વારા તૈયારીઓ પણ કરી લેવામાં આવી છે. જો કે, કોરોના મહામારીને કારણે ભયભીત વાલીઓ સંતાનોને સ્કૂલ મોકલવા માટે ખચકાટ અનુભવી રહ્યાં હોવાનું લાગી રહ્યું છે.

પ્રાપ્ત માહિતી અનુસાર ધો-6થી 8ના વર્ગો તા. 18મી ફેબ્રુઆરીથી શરૂ થઈ રહ્યાં છે. સરકારની ગાઈડલાઈન અનુસાર બાળકને સ્કૂલ મોકલવા માટે સંમતિ પત્ર આપવું ફરજીયાત છે. જો કે, આવતીકાલથી સ્કૂલ ફરીથી શરૂ થતી હોવા છતા એક ટકાથી પણ ઓછા વાલીઓ સ્કૂલમાં સંમતિ પત્ર અને પૂછપરછ માટે ગયા હોવાનું જાણવા મળે છે. એટલું જ નહીં વાલીઓને હજુ પણ કોરોનાને લઈને ડર લાગી રહ્યો છે. જેથી તેઓ પોતાના સંતાનને સ્કૂલ મોકલવા માટે ખચકાય રહ્યાં છે. બીજી તરફ પ્રાથમિક શાળા શરૂ કરવા માટે સ્કૂલ સંચાલકો દ્વારા તૈયારીઓ કરવામાં આવી છે. પરંતુ વાલીઓનો યોગ્ય પ્રતિસાદ નહીં મળતા સંચાલકો પણ મુજવણમાં મુકાયાં છે. કેટલાક વાલીઓએ પ્રાથમિક વર્ગો શરૂ કરવા મામલે વિરોધ નોંધાવ્યો છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, સ્કૂલ સંચાલકોએ પ્રાથમિક શાળાઓ શરૂ કરવા માટે તૈયારીઓ શરૂ કરી દીધી છે. બીજી તરફ સરકાર દ્વારા વિદ્યાર્થીઓને સ્કૂલમાં ઓફલાઈન એજ્યુકેશનની સાથે ઓનલાઈન એજ્યુકેશન પણ આપવામાં આવી રહ્યું છે.