Site icon Revoi.in

‘પરીક્ષા પે ચર્ચા’ માત્ર અભ્યાસક્રમની પરીક્ષા માટે નહીં, જીવનની પ્રત્યેક પરીક્ષા માટે પથદર્શક છે : રાજ્યપાલ

Social Share

અમદાવાદઃ એક શિક્ષક અને મનોવૈજ્ઞાનિક જેટલી નિપુણતાથી યશસ્વી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીએ આજે ભારત અને વિદેશના લાખ્ખો છાત્રો, શિક્ષકો અને વાલીઓ સાથે સંવાદાત્મક ‘પરીક્ષા પે ચર્ચા’ કરી.  રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ રાજભવનમાં ગાંધીનગરની શાળાઓના બાળકો સાથે બેસીને આ રસપ્રદ સંવાદનું જીવંત પ્રસારણ માણ્યું હતું. દરમિયાન રાજ્યપાલે જણાવ્યું હતું કે, ‘પરીક્ષા પે ચર્ચા’ માત્ર અભ્યાસક્રમની પરીક્ષા માટે નહીં, જીવનની પ્રત્યેક પરીક્ષા માટે પથદર્શક છે.

રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ કહ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પ્રેરણાદાયી વાતો માત્ર અભ્યાસક્રમની પરીક્ષા માટે જ નહીં દરેકના જીવનમાં ડગલેને પગલે આવતી પરીક્ષાઓ માટે પણ એટલી જ માર્ગદર્શક અને ઉપયોગી બની રહેશે. ‘પરીક્ષા પે ચર્ચા’ ના સમાપન પછી વિદ્યાર્થીઓને સંબોધતાં રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ સૌ બાળકોને પીએમ મોદીએ આપેલા માર્ગદર્શનનું પાલન કરવા અને પ્રમાણિકતાપૂર્વક એકાગ્રતાથી મહેનત કરવા અનુરોધ કર્યો હતો. તેમણે વિદ્યાર્થીઓને પરીક્ષાઓમાં સારા માર્કે ઉત્તીર્ણ થવા માટે શુભકામનાઓ પાઠવી હતી.

ગુજરાતના બે છાત્રો યુગ્મા લલિતભાઈ લબાના (ધોરણ-10, દાહોદ) અને દક્ષ ભદ્રેશભાઈ પટેલ (ધોરણ-9, અમદાવાદ) શિક્ષક પ્રાર્થનાબેન મહેતા સાથે આ કાર્યક્રમમાં ભાગ લેવા દિલ્હી જવા માટે પસંદગી પામ્યા છે. રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ આ બાળકોને અભિનંદન પાઠવ્યા હતા.

અત્રે ઉલ્લેખનીય છે કે, ધો-10 અને ધો12ની બોર્ડની પરીક્ષા તથા અન્ય ઉચ્ચ પરીક્ષાઓને પગલે વિદ્યાર્થીઓ ભારે તણાવમાંથી પસાર થતા હોય છે. બીજી તરફ વાલીઓ પણ પોતાના સંતાનો પાસેથી સારા પરિણામની આશાઓ રાખે છે. જેથી વિદ્યાર્થીઓ ઉપર પ્રેશર વધે છે. વિદ્યાર્થીઓ તણાવ મુક્ત રહે તે માટે વિવિધ રાજ્યોમાં વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે.