Site icon Revoi.in

પેરિસ ઓલિમ્પિકઃ અમન સેહરાવતે જીત્યો બ્રોન્ઝ મેડલ

Social Share

નવી દિલ્હીઃ ભારતીય કુસ્તીબાજ અમન સેહરાવતે પેરિસ ઓલિમ્પિક 2024માં કુસ્તીમાં બ્રોન્ઝ મેડલ જીત્યો હતો. અમને શુક્રવારે બ્રોન્ઝ માટે રમાયેલી મેચમાં પ્યુર્ટો રિકોના ડેરિયન ટોઇ ક્રુઝને 13-5ના માર્જિનથી હરાવ્યો હતો. અગાઉ, 21 વર્ષીય કુસ્તીબાજ અમને ગુરુવારે પ્રી-ક્વાર્ટર ફાઇનલમાં અને ક્વાર્ટર ફાઇનલમાં જોરદાર પ્રદર્શન કર્યું હતું, પરંતુ પુરુષોની 57 કિગ્રા ફ્રી સ્ટાઇલ વર્ગની સેમિફાઇનલમાં ટોચના ક્રમાંકિત જાપાનના રેઇ હિગુચી સામે એક તરફી મેચમાં હારી ગયો હતો. ભારતે અત્યાર સુધીમાં પેરિસ ઓલિમ્પિકમાં પાંચ બ્રોન્ઝ અને એક સિલ્વર સહિત કુલ છ મેડલ જીત્યા છે.

અમન પહેલા રાઉન્ડમાં જ 6-3થી આગળ હતો. બીજા રાઉન્ડમાં અમાને આ લીડને વધુ આગળ લઈ લીધી અને ક્રુઝને કોઈ તક આપી ન હતી. આ રીતે અમન સેહરાવતે જીત મેળવી હતી. પેરિસ ઓલિમ્પિકમાં અમન ભારતનો એકમાત્ર પુરુષ કુસ્તીબાજ હતો. જોકે, તેણે કુસ્તીમાં મેડલનો સિલસિલો જાળવી રાખ્યો હતો.

2008 બેઇજિંગ ઓલિમ્પિક બાદથી ભારત દરેક ઓલિમ્પિકમાં કુસ્તીમાં મેડલ જીતી રહ્યું છે. સુશીલ કુમારે 2008માં બ્રોન્ઝ જીત્યો હતો, સુશીલે સિલ્વર અને યોગેશ્વર દત્તે 2012માં બ્રોન્ઝ જીત્યો હતો, સાક્ષી મલિકે 2016માં બ્રોન્ઝ જીત્યો હતો, રવિ દહિયાએ સિલ્વર અને બજરંગ પુનિયાએ 2020 ટોકિયો ઓલિમ્પિકમાં બ્રોન્ઝ જીત્યો હતો. અમનની આ પ્રથમ ઓલિમ્પિક હતી અને તેણે તેની પહેલી જ ઓલિમ્પિકમાં બ્રોન્ઝ મેડલ જીત્યો હતો. આ રીતે અમને ઓલિમ્પિકમાં કુસ્તીમાં ભારતના મેડલનું ખાતું ખોલાવ્યું હતું. વિનેશ ફોગાટની ગેરલાયકાત બાદ નિરાશામાં ગરકાવ થઈ ગયેલા ભારત માટે તે ખુશી લઈને આવ્યો છે.

Exit mobile version