Site icon Revoi.in

રાજકોટ-દિલ્હી જતી ફ્લાઈટ્સમાં ટેક્નિકલ ખામી સર્જાતા રાજકોટમાં મુસાફરો રઝળ્યા

Social Share

રાજકોટઃ શહેરમાં એરપોર્ટ નાનું હોવાથી ફ્લાઈટ્સ માટે પાર્કિંગની સમસ્યા કાયમ રહેતી હોય છે. શહેરના એર પોર્ટ પર છેલ્લા મહિનાઓમાં પ્રવાસીઓના ટ્રાફિકમાં સારોએવો વધારો થયો છે. એરલાઈન્સ કંપનીઓ કોલકત્તા સહિત અન્ય શહેરોમાં પણ રાજકોટથી નવી ફ્લાઈટ શરૂ કરવા મંજુરી માગી રહી છે. પણ પાર્કિંગના અભાવને કારણે નવી ફ્લાઈટને ઉડાનની મંજુરી આપવામાં આવતી નથી. ત્યારે રાજકોટથી દિલ્હી જતી એર ઈન્ડિયાની એક ફ્લાઈટમાં ટેકનિકલ ખામી સર્જાતા ફ્લાઈટ ઉડાન ભરી શકી નહતી. તેથી તેને ફરજિયાત પાર્કિંગ આપવું પડ્યુ હતું તેથી અન્ય ફ્લાઈટ્સનું લેન્ડિગ પણ અટક્યું હતું.

રાજકોટ એરપોર્ટ પર એર ઈન્ડિયાની ફ્લાઈટમાં ટેક્નિકલ ખામી સર્જાતા પેસેન્જર્સને હાલાકીનો સામનો કરવો પડ્યો છે. રાજકોટ-દિલ્હીની એર ઈન્ડિયાની ફ્લાઈટમાં ટેક્નિકલ ખામી સર્જાઈ હતી. એર ઈન્ડિયાની ફ્લાઈટે ઉડાન ન ભરતા અન્ય ફ્લાઈટનું લેન્ડિંગ અટક્યું હતું. રાજકોટથી દિલ્હી જતાં અને મુંબઈ જતાં મુસાફરોને મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો છે. રાજકોટ એરપોર્ટ પર એક સમયે એક મોટુ અને એક નાનુ વિમાન જ લેન્ડ થઈ શકે છે.

રાજકોટ-દિલ્હીની એર ઈન્ડિયાની ફ્લાઈટમાં ટેક્નિકલ ખામીને પગલે ઈન્ડિગોની રાજકોટ-મુંબઈની ફ્લાઈટ રદ્દ કરી દેવી પડી હતી. જેને પગલે સર્જાયેલી અવ્યવસ્થાને લઈ મુસાફરોએ ટ્વિટર પર બળાપો કાઢ્યો હતો. ફ્લાઇટ કેન્સલ થતાં મુસાફરોમાં રોષ જોવા મળ્યો હતો. એરલાઇન્સ ઓથોરિટી દ્વારા ટેક્નિકલ ખામી અંગે કોઈ જાણ કરવામાં ન આવતા મુસાફરોમાં રોષે ભરાયા હતા. ફ્લાઈટ કેન્સલ થતા આગળની કનેક્ટિંગ ફ્લાઇટ માટે પણ મુશ્કેલી સર્જાઈ હતી. એટલું જ નહીં કેટલાક મુસાફરોના અગત્યના કામ અટવાયા હતા. એરપોર્ટ પર મુસાફરોનો જમાવડો થયો હતો.