Site icon Revoi.in

પઠાણકોટ હુમલાના માસ્ટરમાઈન્ડ શાહિદ લતીફની અંગત અદાવતમાં હત્યા થયાનો ખુલાસો

Social Share

નવી દિલ્હીઃ ભારતના પડોશી દેશ પાકિસ્તાનમાં કુખ્યાત આતંકવાદી શાહિદ લતીફની અજાણ્યા શખ્સોએ ગોળીમારીને હત્યા કરી હતી. લતીફ 2016માં ભારતમાં પઠાણકોટ આતંકી હુમલાનો માસ્ટરમાઇન્ડ હતો. જૈશ-એ-મોહમ્મદના આતંકવાદી શાહિદને સિયાલકોટમાં ઠાર મારવામાં આવ્યો હતો. મોટરસાઇકલ પર સવાર બે લોકોએ તેની હત્યા કરી હતી. ગુંજરાવલાનો રહેવાસી લતીફ ભારતનો મોસ્ટ વોન્ટેડ આતંકવાદી હતો. જો કે, લતીફની હત્યા જમીન વિવાદમાં થયાનું તપાસમાં ખુલ્યું છે.

પ્રાપ્ત માહિતી અનુસાર બુધવારે વહેલી સવારે ત્રણ મોટરસાઇકલ સવારોએ 53 વર્ષીય લતીફ અને તેના ભાઇ હરિસ હાશિમ પર હુમલો કર્યો હતો. લતીફ પર હુમલો ડાસ્કા શહેરમાં નૂર મદીના મસ્જિદની બહાર થયો હતો. અંધાધૂંધ ગોળીબારમાં લતીફનું મોત થયું હતું, જ્યારે તેનો ભાઈ ઘાયલ થયો હતો. લતીફ અને તેના ભાઈ પર હુમલો કરવામાં આવ્યો હતો જ્યારે બંને નમાઝ અદા કરીને બહાર આવી રહ્યા હતા. વેબસાઈટ ન્યૂઝ 18એ સિયાલકોટના ડીપીઓ હસન ઈકબાલને ટાંકીને જણાવ્યું છે કે લતીફે અંગત દુશ્મનાવટના કારણે પોતાનો જીવ ગુમાવ્યો છે. તેમણે કહ્યું કે તેની તપાસ ચાલુ છે. પરિવારમાં જમીનનો વિવાદ ચાલી રહ્યો હતો અને તેના સંબંધીઓની ધરપકડ કરવામાં આવી છે.

પાકિસ્તાન વર્ષોથી આતંકવાદી માટે સ્વર્ગ સમાન રહ્યું છે, પાકિસ્તાનમાં બેઠા-બેઠા હાફિઝ સઈદ સહિતના આતંકવાદીઓ ભારતમાં ભાંગફોડની પ્રવૃતિને અંજામ આપી રહ્યાં છે. જો કે, પાકિસ્તાનમાં છેલ્લા કેટલાક સમયથી અજાણ્યા હુમલાખોરો કુખ્યાત આતંકવાદીઓને ગોળીમારીને તેમનો ખેલ ખતમ કરી રહ્યાં છે. તેમજ તાજેતરમાં જ હાફિઝ સઈદના પુત્રને પણ અજાણ્યા શખ્સો ઉઠાવી ગયા હતા અને ગણતરીના દિવસોમાં જ તેની સળગેલી લાશ મલી આવી હતી.