Site icon Revoi.in

ગાંધીનગરમાં CM સાથે પાટીદાર અગ્રણીઓની ફરીવાર બેઠક યોજાશે, સમાજના પ્રશ્નો અંગે કરાશે ચર્ચા

Social Share

ગાંધીનગરઃ ગુજરાત વિધાનસભાની ચૂંટણીને હવે પાંચ મહિના જેટલો સમય બાકી રહ્યા છે, ત્યારે વિવિધ સમાજના આગેવાનો દ્વારા સમાજના પ્રશ્નો અંગે સત્તાધારી પક્ષનું નાક દબાવવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. ત્યારે પાટિદાર સમાજમાં પણ પોતાની માગણી માટે સળવળાટ શરૂ થયો છે. રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ સાથે બિન અનામત આયોગ સહિત 25 મુદ્દે પાટીદાર અગ્રણીઓની ગુરૂવારે મહત્વની બેઠક ગાંધીનગર ખાતે મળનાર હતી. તે છેલ્લી ઘડીએ રદ કરવામાં આવી હતી. હવે ફરીવાર મુખ્યમંત્રી સાથે બેઠક મળશે.

સૂત્રોના જણાવ્યા મુજબ રાજ્યના મુખ્યમંત્રી સાથે પાટિદાર સમાજના આગેવાનોની બેઠક ગુરૂવારે મળવાની હતી, પરંતુ કોઈ કારણસર બેઠક એકાએક રદ કરી દેવામાં આવી હતી, બેઠક રદ થવા પાછળ વરસાદની સમીક્ષાનું કારણ ધરવામાં આવી રહ્યું હતું. ગુરૂવારે પાટિદાર સમાજના આગેવાનો અને મુખ્યમંત્રી વચ્ચે યોજાનારી બેઠકમાં  શિક્ષણ વિભાગમાં સમાવેશ કરવામાં આવેલી તમામ સહાયની રકમમાં વધારો કરવા અંગે ચર્ચા થવાની હતી. આ માટે આયોગને વધારાના 500 કરોડની ગ્રાન્ટ આપવા રજૂઆત કરવાની હતી.આ ઉપરાંત પાટીદારો સામે થયેલા કેસ પરત ખેંચવાને લઈને પણ રજૂઆત કરવાની હતી.

સૂત્રોએ વધુમાં જણાવ્યું હતું કે, બિન અનામત આયોગ અને નિગમ તેમજ સમાજના પ્રશ્નો સહિત મુખ્ય 25 મુદ્દા સાથે 15 જૂને પાટીદારોની એક બેઠક જાસપુરના વિશ્વ ઉમિયાધામમાં યોજાઇ હતી. આ બેઠકના મુદ્દા બાબતે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાથે ગુરૂવારે પાટીદાર અગ્રણીઓની એક બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતુ. પાટીદારોની સીએમ સાથેની બેઠકમાં સવર્ણ સમાજના વિદ્યાર્થીઓને વિદેશ લોનની રકમ વધારી 25 લાખ કરવા માંગ હતી. પરંતુ સીએમ સાથેની બેઠક દર થયા બાદ હવે ફરીવાર બેઠક યોજાશે.

સૂત્રોએ ઉમેર્યું હતું કે, પાટિદાર સમાજના આગેવાનો દ્વારા બિનઅનમાત આયોગ અને નિગમનો શિક્ષણ વિભાગમાં સમાવેશ કરવો, બિનઅનામત નિગમની તમામ સહાયની રકમ વધારી 30 હજાર કરવા રજૂઆત કરાશે. આ બેઠકમાં જાસપુર વિશ્વ ઉમિયા ધામ ફાઉન્ડેશન સુરત સમસ્ત પાટીદાર સમાજ સિદ્ધસર ઉમિયા મંદિર ટ્રસ્ટ ખોડલધામ ટ્રસ્ટ અડાલજ અન્નપૂર્ણા ધામ, ઊંઝાનું ઉમિયા માતા સંસ્થાન અને અમદાવાદના ધરતી વિકાસ મંડળના આગેવાનો આ બેઠકમાં ભાગ લઈને મુખ્યમંત્રી સમક્ષ 25 મુદ્દા પર પરામર્શ કરશે. ગુજરાત રાજ્ય ચૂંટણી આયોગ દ્વારા 10 ટકા ઓબીસી અનામત વિના 3,000થી વધુ ગ્રામ પંચાયતની ચૂંટણીની પ્રક્રિયા શરૂ કરવામાં આવતા વિરોધ ઉઠી રહ્યો છે.