નવી દિલ્હી, 31 જાન્યુઆરી 2026: ટી20૦ વર્લ્ડ કપ 2026માં પાકિસ્તાન ક્રિકેટ ટીમ ભાગ લેશે કે કેમ તે અંગેનું રહસ્ય વધુ ઘેરાયું છે. આ અટકળો વચ્ચે પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ (PCB) એ શનિવારે એક ચોંકાવનારો નિર્ણય લઈને વર્લ્ડ કપ માટેની જર્સી લોન્ચ ઈવેન્ટ રદ કરી દીધી છે. આ જર્સી લોન્ચ કાર્યક્રમ પાકિસ્તાન અને ઓસ્ટ્રેલિયા વચ્ચેની બીજી ટી20 મેચ પહેલા યોજાવાનો હતો.
સૂત્રોના જણાવ્યા અનુસાર, પાકિસ્તાનના વિદેશ મંત્રાલય તરફથી હજુ સુધી ટીમને ભારત/શ્રીલંકા મોકલવા અંગે કોઈ સ્પષ્ટ મંજૂરી મળી નથી, જેના કારણે આ ઈવેન્ટ રદ કરવી પડી છે. એવું માનવામાં આવે છે કે આગામી સોમવારે પાકિસ્તાન સરકાર આ અંગે પોતાનો આખરી નિર્ણય સંભળાવી શકે છે. અત્રે ઉલ્લેખનીય છે કે 7 ફેબ્રુઆરીથી વર્લ્ડ કપ શરૂ થઈ રહ્યો છે અને પાકિસ્તાનનું સ્ક્વોડ પણ જાહેર થઈ ચૂક્યું છે, છતાં સરકારના નિર્ણયના અભાવે અસમંજસની સ્થિતિ સર્જાઈ છે.
- ટીમ કોલંબો જવા તૈયાર?
અહેવાલ મુજબ, PCB એ 2 ફેબ્રુઆરીના રોજ પોતાની ટીમને કોલંબો (શ્રીલંકા) મોકલવાની તૈયારીઓ પૂર્ણ કરી લીધી છે. રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે પાકિસ્તાને સુરક્ષાના કારણોસર ચિંતા વ્યક્ત કરી હતી, પરંતુ ICC સાથેના સંબંધો બગડે નહીં તે માટે હવે તેઓ પીછેહઠ કરવાના મૂડમાં નથી.
સૌથી મોટી વાત એ છે કે 15 ફેબ્રુઆરીએ રમાનારી ભારત અને પાકિસ્તાન વચ્ચેની હાઈ-વોલ્ટેજ મેચનો બહિષ્કાર કરવાની પાકિસ્તાનની શક્યતા હવે નહિવત છે. અગાઉ ICC, PCB અને BCCI વચ્ચે થયેલી સમજૂતી મુજબ, 2027 સુધી ICC ઈવેન્ટ્સમાં ભારત અને પાકિસ્તાન વચ્ચેની મેચો ‘ન્યુટ્રલ વેન્યુ’ પર રમાશે. આ સમજૂતીના ભાગરૂપે જ ટી20 વર્લ્ડ કપ 2026માં પાકિસ્તાનની મેચો શ્રીલંકામાં યોજાશે.
આ પણ વાંચોઃ અમિત શાહે કોલકાતાના આનંદપુરમાં મોમો ફેક્ટરીમાં લાગેલી આગને ભ્રષ્ટાચારનું પરિણામ ગણાવ્યું

