Site icon Revoi.in

બ્રિટેનમાં કોવિડ-19માંથી બહાર આવ્યા બાદ લોકોને ભૂત-પ્રેતનો ડર સતાવી રહ્યો છે

Social Share

નવી દિલ્હીઃ ભારત સહિત દુનિયાના અનેક દેશોમાં હવે કોરોનાના કેસમાં સતત ઘટાડો થયો છે. પરંતુ કોરોના મહામારી વચ્ચે સમગ્ર વિશ્વમાં માનસિક દર્દીઓની સંખ્યામાં ચિંતાજનક રીતે વધારો થયો છે. બ્રિટનમાં ચોંકાવનારા કિસ્સા સામે આવી રહ્યાં છે. બ્રિટેનમાં હવે લોકોને ભૂત-પ્રેતનો ડર સતાવી રહ્યો છે એટલું જ નહીં કોરોનાને મહાત આપીને સાજા થયા બાદ અનેક દર્દીઓ અન્ય બીમારીથી પીડિત થયા હોવાનું એક અભ્યાસમાં સામે આવ્યું છે.

સુત્રોના જણાવ્યા અનુસાર બ્રિટનમાં કોરોના બાદ હવે લોકોમાં અસાધારણ ગતિવિધિઓ જોવા મળી રહી છે. અહીંના લોકો ઘોસ્ટ હંટર એટલે ભૂતને ભગાડનારાઓથી લઈને તબીબોની મદદ લઈ રહ્યાં છે. અહીં લોકો ઊંઘમાંથી ઊઠીને પોતાના ઘરમાં બેસી જાય છે, ત્યારે કોઈને ભારે વસ્તુ પડવાનો અવાજ સંભળાય છે. લોકો તેમના ઘરોમાં સાઉન્ડ ડિટેક્શન ડિવાઇસ અને કેમેરા લગાવી રહ્યા છે જેથી તેઓ આવી ઘટનાઓને રેકોર્ડ કરી શકે.

બ્રિટનમાં વૈજ્ઞાનિક રીતે ભૂતની ઓળખ કરનારા ઘોસ્ટ હન્ટરની ડિમાન્ડ અચાનક વધી છે. કોવિડ પછી શરૂ થયેલી આ સમસ્યા હવે રાષ્ટ્રીય સ્તરે વધી ગઈ છે. લંડનની ગોલ્ડ સ્મિથ યુનિવર્સિટીના પ્રોફેસર ક્રિસ્ટોફર ફ્રેંચે કહ્યું કે, કોવિડના સમયમાં લોકોએ તેમના ફાજલ સમયમાં ટેલિવિઝન પર પ્રસારિત હોરર થ્રિલર સિરિયલો, સોશિયલ મીડિયા અને હોરર પ્રોગ્રામ જોયા હતા. જેથી આવી પરિસ્થિતિનું નિર્માણ થયું છે. આવા રોગોને માનસિક બીમારીઓ કહેવામાં આવે છે, જેમાં ચિંતા, અનિદ્રા, ડિપ્રેશન અને ઓબ્સેસિવ કમ્પલ્સિવ ડિસઓર્ડર (OCD) અને પોસ્ટ ટ્રોમેટિક સ્ટ્રેસ ડિસઓર્ડર (PTSD) જેવી સમસ્યાઓ જોવા મળે છે.

તેમણે વધુમાં કહ્યું કે, લોકોમાં ઊંઘ ન આવવાની સમસ્યા સૌથી વધુ જોવા મળી રહી છે અને લોકો હંમેશા કોઈક ઊંડા વિચારમાં કામ કરતા હોય છે. આ સાથે આ લોકોમાં સતત બેચેની અનુભવવાની સમસ્યા પણ જોવા મળી રહી છે.

Exit mobile version