Site icon Revoi.in

ભારતમાં સંસ્કૃતને રાષ્ટ્રભાષા જાહેર કરવાની માંગણી, સુપ્રીમ કોર્ટમાં પિટીશન

Social Share

દિલ્હીઃ દેશમાં સંસ્કૃતને રાષ્ટ્રભાષા જાહેર કરવાની માંગણી સાથે સુપ્રીમ કોર્ટમાં અરજી કરવામાં આવી છે. હિન્દુ રાષ્ટભાષા નહીં પરંતુ રાજભાષા હોવાનો પણ અરજીમાં દાવો કરવામાં આવ્યો હોવાનું જાણવા મળે છે. હિન્દીને રાજભાષાનો દરજ્જો ચાલુ રાખીને રાષ્ટ્રભાષાની નવી કક્ષા ઉભી કરીને સંસ્કૃતને રાષ્ટ્રભાષા જાહેર કરવા માટે સરકારને હુકમ કરવાની વિનંતી પણ અરજીમાં કરવામાં આવી છે.

ગુજરાત સરકારના પૂર્વ અધિક સચિવ અને હાલ સર્વોચ્ચ અદાલતમાં વકીલાત કરતા કે.જી.વણઝારાએ સુપ્રીમ કોર્ટમાં અરજી કરીને રજૂઆત કરી છે કે, ભારતીય બંધારણના વર્તમાન માળખાના આર્ટીકલના ઢાંચામાં ફેરફાર કર્યા વગર સંસ્કૃતને રાષ્ટ્રભાષા બનાવી શકાય છે. વર્તમાન બંધારણીય જોગવાઈ પ્રમાણે હિન્દી ભારતની રાષ્ટ્રભાષા નહીં, પરંતુ રાજભાષા છે પરંતુ પરંપરાગત રીતે લોકો હિન્દીનો રાજભાષાને બદલે રાષ્ટ્રભાષા તરીકે ઉલ્લેખ કરે છે. હાલ ભારતની કોઈ રાષ્ટ્રભાષા નથી. સપ્ટેમ્બર 1949માં હિન્દી, હિન્દુસ્તાની, અંગ્રેજી અને સંસ્કૃત પૈકી કોઈ એક ભાષાની રાજભાષા તરીકેની પસંદગી માટે બંધારણ સભામાં ચર્ચા થઈ હતી, જેમાં ઉત્તર ભારત અને મધ્ય ભારતના હિન્દી ભાષી સભ્યોની બહુમતીના કારણે સમાધાન સ્વરૂપે હિન્દીનો સર્વસંમત રાજભાષા તરીકે સ્વીકાર કરાયો હતો. ભારતીય બંધારણના મુખ્ય ઘડવૈયા ડો. આંબેડકરની આગેવાની નીચે અનેક વિદ્વાન સભ્યોએ હિન્દીને બદલે સંસ્કૃતને રાજભાષાનો દરજ્જો આપવા માટે ખરડામાં સુધારો રજૂ કર્યો હતો. જેમાં મુખ્યત્વે પશ્ચિમ બંગાળના મુસ્લિમ વિદ્વાન નઝીરૂદ્દીન એહમદ, પંડિત લક્ષ્‍મી કાંતા મૈત્રા, હિન્દુ મહાસભા તરફથી ચૂંટાયેલા ડો. શ્યામાપ્રસાદ મુખર્જી, કુલાધાર ચાલિહા (આસામ) વગેરેનો સમાવેશ થાય છે, તમામે સંસ્કૃતની તરફેણમાં ભારે લડત આપી હતી. ભારત હિન્દીને રાજભાષા ચાલુ રાખીને સંસ્કૃતને રાષ્ટ્રભાષા જાહેર કરે કોઈ વિવાદ કે વિગ્રહ ઊભો ન થઈ શકે. તમામ ધર્મોમાં પ્રચલિત ભાષાઓનાં મૂળ સંસ્કૃત ભાષામાં છે. ભારતે ઈઝરાયલ પાસેથી શીખવું જોઈએ કે જેણે 1948માં આઝાદી મળતાં જ, છેલ્લા 2000 વર્ષોથી મૃત મનાતી હિબ્રુ ભાષાને અંગ્રેજીની સમાંતર રાષ્ટ્રભાષા/રાજભાષા જાહેર કરી છે.