Site icon Revoi.in

ભાવનગર, ભૂજ અને રાજકોટમાં PGVCLના દરોડા, સૌરાષ્ટ્રમાંથી 1.50 કરોડની વીજ ચોરી પકડાઈ

Social Share

રાજકોટઃ સૌરાષ્ટ્રમાં વીજચોરીના દુષણને નાથવા માટે પીજીવીસીએલએ ચેકિંગ ઝૂબેશ શરૂ કરી છે. જે વીજલાઈનમાં વધુ વીજ લોસ રહેતો હોય તે વિસ્તારોની ઓળખ કરીને ચેકિંગ કરવામાં આવી રહ્યું છે. આ કાર્યવાહી  બીજા સપ્તાહે પણ સતત યથાવત રાખવામાં આવી છે. સૌરાષ્ટ્રમાં  વહેલી સવારથી PGVCLની કોર્પોરેટ ટીમ દ્વારા રાજકોટ સિટી સર્કલ 1 ડિવિઝન હેઠળ તેમજ ભાવનગર અને ભુજ ડિવઝન વિસ્તારમાં અલગ અલગ 117 ટિમે દરોડા પાડી વીજ ચેકીંગ હાથ ધર્યું  હતું. નવા વર્ષની શરૂઆતમાં જ સૌરાષ્ટ્રમાંથી 1.50 કરોડની વીજચોરી ઝડપાઇ છે.

PGVCLના સૂત્રોના જમાવ્યા મુજબ રાજકોટ ગ્રામ્ય બાદ શહેરી વિસ્તારમાં વીજ ચેકિંગ અંગે સઘન ઝુંબેશ હાથ ધરવામાં આવી છે.  વહેલી સવારથી રાજકોટ શહેરમાં સતત પાંચમા દિવસે પ્રહલાદ પ્લોટ, આજી 2, મિલપરા અને સોરઠિયાવાડી સબ ડિવિઝન હેઠળ આવતા વિસ્તારમાં ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતુ.  વહેલી સવારથી અલગ અલગ 46 ટીમ દ્વારા મિલપરા, સોરઠિયાવાડી, ભક્તિનગર, પટેલનગર, લાલબહાદુર, લાલપરી સહિત 15 જેટલા વિસ્તારમાં વીજચોરી ઝડપી પાડવા કવાયત શરૂ કરવામાં આવી હતી. જેમાં 11 KVના 4 ફીડર આવરી લેવામાં આવ્યા હતા. રાજકોટ શહેરની સાથે સાથે આજે ભુજ અને ભાવનગર ડિવિઝન હેઠળ વિસ્તારોમાં વહેલી સવારથી વીજ ચેકિંગની કામગીરી શરૂ કરવામાં આવી હતી. ભુજ સર્કલ અંતર્ગત કુકમા અને માધાપર સબ ડિવિઝન હેઠળ વિસ્તારમાં કુલ 33 ટીમ જ્યારે ભાવનગર સર્કલ હેઠળ આવતા ચિત્રા, ઘોઘા અને મામસા સબ ડિવિઝન હેઠળના વિસ્તારમાં કુલ 38 ટીમ દ્વારા દરોડાની કામગીરી હાથ ધરવામાં આવી હતી.

સૂત્રોએ વધુમાં જણાવ્યું હતું કે,  નવા વર્ષની શરૂઆત થતા PGVCL દ્વારા રાજકોટ ગ્રામ્ય, સુરેન્દ્રનગર અને જામનગર સર્કલ હેઠળ આવતા વિસ્તારોમાં વીજ ચેકિંગ અંગે દરોડા કરી 500 જેટલા ક્નેક્શનમાંથી 1.50 કરોડથી વધુની વીજચોરી ઝડપી પાડવામાં આવી હતી. ત્યારે આજે પણ સવારથી શરૂ થયેલ દરોડામાં મોટા પ્રમાણમાં વીજચોરી ઝડપાઇ તેવી શક્યતા છે. સૌરાષ્ટ્રભરમાં પીજીવીસીએલ દ્વારા એપ્રિલ 2022થી નવેમ્બર 2022 સુધીમાં 49,988 વીજ કનેક્શનમાં થતી ગેરરીતિ ઝડપી લઇ 131 કરોડ 78 લાખ 90 હજારની વીજચોરી ઝડપી લેવામાં આવી હતી. જેમાં રાજકોટ શહેરમાં 12.30 કરોડ, રાજકોટ ગ્રામ્યમાં 15.18 કરોડ, મોરબીમાં 9.37 કરોડ, પોરબંદરમાં 9.61 કરોડ, જામનગરમાં 15.84 કરોડ, ભુજમાં 5.35 કરોડ, અંજારમાં 9.62 કરોડ, જૂનાગઢમાં 8.89 કરોડ, અમરેલીમાં 12.17 કરોડ, બોટાદમાં 6.13 કરોડ, ભાવનગરમાં 18.21 કરોડ અને સુરેન્દ્રનગરમાં 9.06 કરોડની વીજચોરી ઝડપાઈ હતી.