Site icon Revoi.in

હવાઈ નિરિક્ષણ બાદ PM મોદીએ 1000 કરોડના રાહત પેકેજની કરી જાહેરાતઃ મૃતકોના પરિવારને 2-2 લાખ સહાય અપાશે

Social Share

અમદાવાદઃ ગુજરાતમાં અને ખાસ કરીને સૌરાષ્ટ્રમાં તાઉ-તે વાવાઝોડાએ ભારે નુકશાન કર્યુ છે. ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી નુકશાનીની જાત માહિતી મેળવવા માટે આજે એક દિવસના ગુજરાતના પ્રવાસે આવ્યા હતા. વડાપ્રધાન દિલ્હીથી હવાઈ માર્ગે સીધા ભાવનગર આવીને ત્રણ જિલ્લાઓનું હવાઈ નિરીક્ષણ કર્યું હતું. વડાપ્રધાનની સાથે મુખ્યપ્રધાન વિજય રૂપાણી પણ હવાઈ નિરીક્ષણમાં જોડાયા હતા.

હવાઈ નિરીક્ષણ બાદ વડાપ્રધાન અમદાવાદ એરપાર્ટ પર આવી પહોંચ્યા હતા. જ્યાં રાજ્યના મુખ્ય સચિવ સહિત ઉચ્ચ અધિકારીઓ સાથે બેઠક યોજીને વાવાઝોડાને લીધે થયેલા નુકશાનની ચર્ચા કરી હતી. મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ રાહત પેકેજની માગણી કરી હતી. ગુજરાતમાં વાવાઝોડાને કારણે રૂપિયા 3000 કરોડથી વધુ નુકશાન થયુ હોવાનો અંદાજ છે. વડાપ્રધાને રૂપિયા 1000 કરોડ રાહત પેકેજ આપવાની જાહેરાત કરી હતી. તેમજ કેન્દ્ર સરકાર તરફથી તમામા સહાય આપવાની પણ ખાતરી આપી હતી. કેન્દ્રની ટીમ ટૂક સમયમાં ગુજરાતની મુલાકાતે આવશે. મૃતકોના પરિવારોને બે-બે લાખની સહાય અપાશે. તેમજ વાવાઝોડામાં ઘવાયેલાઓને 50 હજારની સહાય ચુકવાશે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુજરાતમાં તાઉતે વાવાઝોડાથી પ્રભાવિત વિસ્તારોનું હવાઈ નિરીક્ષણ કરીને આંકલન કર્યા બાદ અમદાવાદ પહોંચીને સમગ્ર સ્થિતિની સર્વ ગ્રાહી સમીક્ષા એક ઉચ્ચ સ્તરીય બેઠકમાં કરી હતી. મુખ્યપ્રધાન વિજય રૂપાણી, મુખ્યસચિવ અનિલ મુકિમ, મુખ્યપ્રધાનના મુખ્ય અગ્ર સચિવ કૈલાસ નાથન, મહેસૂલ અધિક મુખ્ય સચિવ પંકજ કુમાર આરોગ્ય અગ્ર સચિવ ડો.જયંતી રવિ તેમજ રાહત કમિશનર હર્ષદ પટેલ અને સાયન્સ ટેકનોલોજી સચિવ હારિત શુક્લાએ આ બેઠકમાં ઉપસ્થિત રહી વડાપ્રધાનને રાજ્યના વાવાઝોડા સ્થિતિનો ચિતાર આપ્યો હતો.
વડાપ્રધાન નરેન્દ્ર મોદી એક દિવસીય હવાઈ નિરીક્ષણ માટે આજે ગુજરાતની મુલાકાતે છે. તેમણે ભાવનગરથી હેલિકોપ્ટરમાં બેસી વાવાઝોડા બાદની સ્થિતિનું નિરીક્ષણ શરૂ કર્યું હતું. વડાપ્રધાન 1 કલાક ને 50 મિનિટ હવાઈ નિરીક્ષણ કર્યા બાદ હવે ભાવનગર એરપોર્ટ પહોંચ્યા હતા. ત્યાંથી અમદાવાદ એરપોર્ટ પર પહોંચીને મુખ્યપ્રધાન વિજય રૂપાણી તેમજ રાજ્યના વરિષ્ઠ સચિવો સાથે સમીક્ષા બેઠક યાજી હતી. વિનાશક ‘તાઉ-તે’ વાવાઝોડું સૌરાષ્ટ્રના દરિયાકાંઠે ટકરાયું ત્યાર બાદ અનેક જગ્યાઓએ વિનાશ વેર્યો હતો. સૌરાષ્ટ્રથી લઈને દક્ષિણ ગુજરાતના ઘણા જિલ્લાઓમાં 8 કલાકની અંદર 5 ઈંચ જેટલો વરસાદ ખાબક્યો હતો. ઉપરાંત ભારે પવનને કારણે વૃક્ષો ધરાશાયી થવાની સ્થિતિમાં રસ્તાઓ પણ બ્લોક થઈ ગયા હતા.