Site icon Revoi.in

જનહિતના કામને આગળ ધપાવવા સંસદ સત્રનો ભરપૂર ઉપયોગ કરવા પીએમ મોદીને સાંસદોને અપીલ

Social Share

નવી દિલ્હી: સંસદના ચોમાસુ સત્રમાં લાવવામાં આવનાર બિલના મહત્વ પર ભાર મૂકતા, વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ તમામ રાજકીય પક્ષોને અપીલ કરી હતી કે, તેઓ જાહેર હિતના કાર્યોને આગળ ધપાવવા માટે આ સત્રનો સંપૂર્ણ ઉપયોગ કરે. સત્રના પ્રથમ દિવસે મીડિયાને સંબોધતા મોદીએ વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે તમામ સભ્યો સંસદના ચોમાસુ સત્રનો જનહિતમાં મહત્તમ ઉપયોગ કરશે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વધુમાં જણાવ્યું હતું કે, “જેટલી વધુ અને મહત્વપૂર્ણ ચર્ચા થશે, તેટલા સારા નિર્ણયો લેવાશે, જે જાહેર હિતમાં દૂરગામી પરિણામો આપશે.” વડા પ્રધાને કહ્યું કે જ્યારે ચર્ચા સમૃદ્ધ હોય છે, ત્યારે નિર્ણયો પણ પરિણામલક્ષી હોય છે. તેમણે કહ્યું, “એટલે જ હું તમામ રાજકીય પક્ષો, તમામ સાંસદોને વિનંતી કરું છું કે જનહિતના કાર્યોને આગળ વધારવા માટે આ સત્રનો સંપૂર્ણ ઉપયોગ કરો.”

પીએમ મોદીએ વધુમાં કહ્યું કે, આ સત્ર ઘણી રીતે મહત્વપૂર્ણ છે આ સમયગાળા દરમિયાન જે બિલ લાવવામાં આવી રહ્યા છે તે લોકોના હિત સાથે સીધા જોડાયેલા છે. પ્રસ્તાવિત ડેટા પ્રોટેક્શન બિલનો ઉલ્લેખ કરતાં તેમણે કહ્યું હતું કે એવા સમયે જ્યારે યુવા પેઢી ડિજિટલ વિશ્વની આગેવાની લઈ રહી છે, ત્યારે આ બિલ દેશના દરેક નાગરિકને નવો આત્મવિશ્વાસ આપશે અને વિશ્વમાં ભારતની પ્રતિષ્ઠા વધારશે.

તેમણે વધુમાં કહ્યું કે એ જ રીતે નવી શિક્ષણ નીતિના સંદર્ભમાં નેશનલ રિસર્ચ ફાઉન્ડેશન એક મોટું પગલું છે, જેનો ઉપયોગ સંશોધનને મજબૂત કરવા માટે કરવામાં આવશે. કેટલાક અન્ય પ્રસ્તાવિત બિલોનો ઉલ્લેખ કરતાં વડા પ્રધાને કહ્યું, “આ વખતે સંસદમાં આવા ઘણા મહત્વપૂર્ણ બિલો આવી રહ્યા છે. તેઓ જનહિત માટે છે, યુવાનો માટે છે, તેઓ ભારતના ઉજ્જવળ ભવિષ્ય માટે છે. મને ખાતરી છે કે ગૃહમાં ગંભીરતાથી ચર્ચા કરીને અમે રાષ્ટ્રના હિતમાં મહત્વપૂર્ણ પગલાઓ સાથે ખૂબ જ ઝડપથી આગળ વધીશું.